બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 13 ઇંચ જેટલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલી અનેક સોસાયટીઓ હજી પણ પાણીમાં ગરકાવ છે. જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તાલુકા પંચાયત પાસે આવેલી ગણેશ સોસાયટીની હાલત સૌથી ગંભીર છે. આખી સોસાયટી પાણીમાં ડૂબી ગઈ હોવાથી અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.


નીચાણવાળા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી

લોકોનો ઘરવખરીનો સામાન અને બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. કેટલાંક વાહનોએ તો જાણે જળસમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સોસાયટીઓમાં જવા-આવવાના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્થાનિક લોકો ઘરમાં કેદ થઈ ગયા છે અને તેમનો સંપર્ક બહારની દુનિયાથી કપાઈ ગયો છે. આ પરિસ્થિતિને કારણે લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

લોકોની ઘરવખરી અને વાહનો થયા પાણીમાં ગરકાવ

સ્થાનિકોમાં નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની બેદરકારીને કારણે પાણીનો યોગ્ય નિકાલ થયો નથી. જેના પરિણામે વરસાદ બંધ થયાના ત્રીજા દિવસે પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જો તંત્ર દ્વારા ઝડપથી કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આ કુદરતી આફત અને તંત્રની બેદરકારીના કારણે થરાદના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.


  • Follow us on: