બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં થરાદ તાલુકા તલાટી કમ મંત્રી એસોસિએશનના પ્રમુખ અને દોલતપુરા તથા બુઢનપુર ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા પ્રકાશ ચૌધરી નામના તલાટી કમ મંત્રીની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિવાદનું મૂળ એક જન્મ પ્રમાણપત્ર છે. એક અરજદારને તલાટી પ્રકાશ ચૌધરી દ્વારા આપવામાં આવેલો જન્મનો દાખલો ખોટો હોવાનું જણાયું હતું.
અરજદાર સાથે તલાટી કમ મંત્રીએ કરી ઝપાઝપી
જેના કારણે અરજદારે આ મામલે માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ માહિતીની માંગણી કરી હતી. પોતાની સામે RTI કરવામાં આવતા તલાટી કમ મંત્રી પ્રકાશ ચૌધરી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. વીડિયોમાં વાતચીત અને દ્રશ્યો પરથી જણાય છે કે તલાટીએ અરજદાર સાથે ઉગ્ર દલીલો કરી હતી અને મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. વીડિયોમાં તલાટીએ અરજદારને લાફો મારી દીધો હોવાની વાતચીત પણ સ્પષ્ટપણે સંભળાય છે જે તેમની દાદાગીરી દર્શાવે છે.













