રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક સુધારો થાય તે માટે ૨૦૦૯થી દર વર્ષે ગુણોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી સ્કૂલ ઈન્સ્પેક્ટર દ્વારા જે તે શાળાની ત્રણથી ચાર વાર મુલાકાત લઇને શાળાનું મૂલ્યાંકન કરીને તેની વિગતો ઓનલાઇન કરવામાં આવી રહી છે અને તેના આધારે ગ્રેડ નક્કી કરવામાં આવે છે. કચ્છમાં ચાલુ વર્ષે એ અને એ+ ગ્રેડની શાળામાં વધારો થયો છે, જ્યારે સી અને ડી ગ્રેડની શાળાઓમાં ઘટાડો થઇ રહ્યો હોઈ જે શાળામાં અપાતા શિક્ષણમાં સુધારો સૂચવે છે.
૨૦૨૩-૨૪માં એ, એ+, એ++, એ+++ ગ્રેડમાં ૧૩૨ શાળાઓ હતી
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, કચ્છમાં હાલે શાળાઓમાં એક દિવસનો ગુણોત્સવ નહિ પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન બાળકોએ આપેલી એકમ કસોટી, બંને સત્રાંત પરીક્ષાઓ તથા તેઓએ કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા શિક્ષકોએ કરેલી તમામ પ્રવૃત્તિઓ, વર્ગ શિક્ષણ, શાળાની ભૌતિક સુવિધાઓ તથા શાળામાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ, આ તમામ પેરામીટર્સ ધ્યાને રાખી સ્કૂલ ઇન્સ્પેકટર દ્વારા શાળાની ૩થી ૪ વાર મુલાકાત કરી શાળાની વિગતો ઓનલાઈન કરવામાં આવે છે, જેના આધારે શાળાઓનો ગ્રેડ નક્કી થાય છે.
છેલ્લાં બે વર્ષનું ગુણોત્સવનું મૂલ્યાંકન કરવામાં આવેતો ૨૦૨૩-૨૪માં એ, એ+, એ++, એ+++ ગ્રેડમાં ૧૩૨ શાળાઓ હતી, જ્યારે ૨૦૨૪-૨૫માં ૧૪૯ શાળાઓ હતી, ગ્રેડ બીમાં અનુક્રમે ૧,૨૬૩ અને ૧,૩૯૨ તથા સી ગ્રેડમાં ૨૯૮ અને ૧૭૫ અને ડી ગ્રેડમાં ૧૧ અને ૧ શાળાઓ હતી. ગત વર્ષ કરતાં એ અને તેનાથી ઉપરના ગ્રેડમાં ૧૩૨ શાળાઓ હતી, તેમાં ૧૭ શાળાઓનો વધારો થઇ ૧૪૯ શાળાઓ થઈ છે. જ્યારે બી ગ્રેડમાં ૧,૨૬૩ શાળાઓ હતી જેમાં પણ ૧૨૯ શાળાઓનો વધારો થઇ કુલ ૧,૩૯૨ શાળાઓ જ્યારે સી ગ્રેડની શાળાઓ ૨૯૮ જે ઘટીને ૧૭૫ શાળાઓ થઇ છે, ડી ગ્રેડની શાળાઓમાં પણ ૧૧થી ઘટીને ફ્ક્ત ૧ શાળા રહી જવા પામી છે.
હવે ફ્ક્ત ૧૭૬ શાળાઓ જ સી અને ડી ગ્રેડમાં રહી
કચ્છ જિલ્લામાં રેડ અને બ્લેક શાળાઓની સંખ્યામાં એટલે કે, સી અને ડી ગ્રેડમાં ઘટાડો થયો છે. જે જિલ્લાની શાળાઓમાં શિક્ષણમાં સુધારો થયા હોવાનું સૂચવે છે. હાલે જિલ્લાની એ અને બી ગ્રેડમાં શાળાઓની સંખ્યા ૮૯.૭૪ ટકા જેટલી થઇ છે. કુલ ૧,૭૧૭ શાળાઓમાંથી ૧,૫૪૧ શાળાઓ એ અને બી ગ્રેડમાં આવી છે. જ્યારે ફ્ક્ત ૧૭૬ શાળાઓ સી અને ડી ગ્રેડમાં આવી તેની સંખ્યા ૧૦.૨૬ ટકા છે.
પહેલાં રાજ્ય કક્ષાએથી અધિકારીઓ ગુણોત્સવ માટે આવતા
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક સુધારો થાય તે માટે ૨૦૦૯થી દર વર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે. શરૂઆતના વર્ષોમાં ૫૦ ટકા શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન માટે રાજ્ય કક્ષાએથી અધિકારીઓ તથા પદાધિકારીઓ તેમજ જિલ્લા, તાલુકાના અધિકારીઓ આવતા હતા અને શાળાઓનું મૂલ્યાંકન કરતાં હતા, જયારે બાકીની ૫૦ ટકા શાળાઓ પોતે સ્વમૂલ્યાંક કરતી અને ગુણોત્સવના પેરામીટર્સ મુજબ મૂલ્યાંકન કરીને ગ્રેડ નક્કી કરવામાં આવતો હતો.