વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં વાઘોડિયાના સરણેજ ગામમાં પાણીની મોટર ચાલુ કરતી વખતે એક યુવકને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના વાઘોડિયા તાલુકાના સરણેજ ગામમાં બની હતી.


અગમ્ય કારણોસર લાગ્યો વીજ કરંટ 

ગામના 21 વર્ષીય યુવાન હિતેશ પરમાર પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરી રહ્યો હતો. તે જ સમયે કોઈ અગમ્ય કારણોસર તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો. પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા યુવાનને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે યુવાનને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

સારવાર મળે તે પહેલાં જ યુવાનનું મોત 

યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાએ ફરી એકવાર વીજ ઉપકરણોના ઉપયોગમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


  • Follow us on: