વડોદરા-હાલોલ હાઇવે પર આજે અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયા તાલુકાના કોટંબી ગામના બસ સ્ટેન્ડ નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને બાઇક ચાલકને જોરદાર અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.


અકસ્માત સર્જી વાહનચાલક ફરાર

કોટંબી ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને કાયદાના ડરથી સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. હાઇવે પર ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વ્યસ્ત ગણાતા વડોદરા-હાલોલ રોડની મધ્યમાં અકસ્માત સર્જાયો હોવાના કારણે જોતજોતામાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી

આ દુર્ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જરોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સોંપણી કરીને માર્ગ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બાઇકના નંબરના આધારે મૃતક યુવકની ઓળખ વિધિ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, આ સાથે જ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે હાઇવેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: