ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઈમાં ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની પડતર અને વાજબી માંગણીઓને લઈને ડભોઈના એપીએમસી મેદાનમાં છેલ્લા 4 દિવસથી હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એટલું જ નહીં, ખેડૂતોએ સરકાર સામે લડી લેવાના મૂડ સાથે આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. આ આંદોલનને પગલે સમગ્ર પંથકના રાજકારણ અને વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
આંદોલનનું મુખ્ય કારણ ખરીદીની મર્યાદા
ખેડૂતોના આ આંદોલનનું મુખ્ય કારણ ખરીદીની મર્યાદા છે. આંદોલનકારી ખેડૂતોની મુખ્ય માંગ છે કે, સરકાર દ્વારા હેક્ટર દીઠ ૧૮૫૦ કિલો જુવારની ખરીદી કરવામાં આવે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેમનું પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. 4 દિવસથી અન્ન-જળનો ત્યાગ કરીને બેઠેલા ખેડૂતોની સ્થિતિ જોતા સ્થાનિક સ્તરે પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધારાસભ્યની મધ્યસ્થતા અને બાહેધરી
આંદોલન વધુ વણસે તે પહેલાં સ્થાનિક ધારાસભ્યે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મુલાકાત લીધી હતી. ધારાસભ્યે ખેડૂતોની તમામ રજૂઆતો અને મુશ્કેલીઓને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી. ખેડૂતોના આક્રોશને શાંત પાડતા ધારાસભ્યે ખાતરી આપી છે કે તેઓ આ સંવેદનશીલ મુદ્દાને આગામી મંગળવારે સીધો સરકાર સમક્ષ રજૂ કરશે. સરકાર કક્ષાએથી ખેડૂતોના હિતમાં સકારાત્મક નિર્ણય લેવાય તે માટે યોગ્ય બાહેધરી પણ આપવામાં આવી છે.
એપીએમસી મેદાન છોડશે નહીં
જો કે, અન્નદાતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તરફથી લેખિત કે નક્કર આશ્વાસન નહીં મળે ત્યાં સુધી તેઓ એપીએમસી મેદાન છોડશે નહીં. આ આંદોલન હવે આગામી મંગળવારે સરકારની બેઠક બાદ કઈ દિશામાં ફંટાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ટ્રમ્પની 'શાંતિ ડીલ' પર ઇઝરાયેલનો વીટો, શું મિડલ-ઈસ્ટમાં ગમે ત્યારે ફાટી નીકળશે યુદ્ધ ?