સંસ્કારી નગરી વડોદરામાં બે મિત્રોના આપઘાતની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી છે. શરૂઆતમાં આ મામલો બિહારમાં રહેતા એક મિત્રના વિરહમાં બે મિત્રોએ જીવન ટૂંકાવ્યું હોવાનો લાગતો હતો, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં હવે અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય વિગતો બહાર આવી રહી છે. બિહારમાં રહેતા રોહિત નામના યુવકે આપઘાત કરી લીધા બાદ, તેના વિરહમાં વડોદરામાં રહેતા તેના બાળપણના બે મિત્રો રવિ અને વિકાસે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, આ ત્રણેય મિત્રોના મોતના તાર કોઈ ઊંડા રહસ્ય તરફ ઈશારો કરી રહ્યા છે.


 રવિના મોબાઈલ ફોનમાંથી કેટલીક અત્યંત શંકાસ્પદ ચેટ મળી

પોલીસ તપાસ દરમિયાન મૃતક રવિના મોબાઈલ ફોનમાંથી કેટલીક અત્યંત શંકાસ્પદ ચેટ અને મોટા પાયે નાણાકીય લેવડદેવડના પુરાવા મળી આવ્યા છે. આ કેસમાં કૌટુંબિક અને વ્યક્તિગત સ્તરે પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતક રવિ ઘણીવાર તેની પત્નીને બેડરૂમમાંથી બહાર કાઢી મૂકતો હતો.

અસાધારણ સંબંધો હોવાનું સામે આવ્યું

રોહિત, રવિ અને વિકાસ વચ્ચે નાનપણથી જ સામાન્ય મિત્રતા કરતાં કંઈક અલગ એટલે કે 'અસાધારણ સંબંધો' હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય મિત્રો અવારનવાર આખી રાત ઘરની બહાર સાથે જ ફરતા રહેતા હતા.

કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોવાની આશંકા

બિહારમાં આપઘાત કરનાર રોહિત અને વડોદરાના રવિ તથા વિકાસના સામૂહિક આત્મહત્યા જેવા આ પગલાં પાછળ કોઈ બ્લેકમેલિંગ, નાણાકીય વિવાદ કે અન્ય કોઈ મોટું રહસ્ય છુપાયેલું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે બિહાર પોલીસે મૃતક રોહિતનો મોબાઈલ ફોન પણ કબજે કરીને તાત્કાલિક એફએસએલમાં મોકલી આપ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, એફએસએલનો ટેકનિકલ રિપોર્ટ આવ્યા બાદ ફોનની ડિલીટ થયેલી ચેટ અને કોલ ડિટેલ્સના આધારે આ ત્રિપુટીના મોતના અસલી કારણો પરથી પડદો ઊંચકાશે.


આ પણ વાંચો----    Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય

  • Follow us on: