મોંઘવારીના સમયમાં વડોદરાવાસીઓના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. વડોદરા શહેરમાં CNG ગેસ અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવોને ધ્યાનમાં રાખીને વડોદરા ઓટો રિક્ષા યુનિયન દ્વારા ભાડામાં વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 જુલાઈ 2026થી વડોદરા શહેરમાં રિક્ષાના મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો લાગુ થઈ જશે.


વડોદરામાં 80 હજારથી વધુ રિક્ષા

વડોદરા શહેરમાં હાલમાં 80 હજારથી વધુ રિક્ષા ચાલકો રિક્ષા ચલાવી પેટિયું રળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઇંધણના ભાવ આસમાને પહોંચતા રિક્ષા ચાલકો માટે જૂના દરો પર રિક્ષા ચલાવવી આર્થિક રીતે પરવડે તેમ ન હતી. રિક્ષા ચાલકોની આ જ મુશ્કેલીઓને ધ્યાને રાખીને યુનિયન દ્વારા ભાડું વધારવાની ફરજ પડી છે. નવા નિયમ મુજબ, અત્યાર સુધી મુસાફરો જે મિનિમમ ભાડું 20 રૂપિયા ચૂકવતા હતા, તેના બદલે હવે 1 જુલાઈથી 30 રૂપિયા ચૂકવવા પડશે.

1 જુલાઈથી અમલી બનશે નવું ભાડું

વડોદરા ઓટો રિક્ષા યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે જણાવ્યું કે, સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે રિક્ષા ચાલકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલના ભાવમાં રિક્ષા ફેરવવી બિલકુલ પરવડતી નથી. આથી ભારે હૈયે અમારે ભાડામાં 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે, જે આગામી 1 જુલાઈથી અમલી બનશે.


નોકરિયાતોના બજેટ પર સીધી અસર

આ નિર્ણયના કારણે રોજબરોજ ઓટો રિક્ષામાં મુસાફરી કરતા મધ્યમવર્ગીય પરિવારો અને નોકરિયાતોના બજેટ પર સીધી અસર પડશે, પરંતુ બીજી તરફ રિક્ષા ચાલકોનું કહેવું છે કે, આ વધારો તેમની મજબૂરી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ, ડીઝલ અને CNG ભાવમાં ગત દિવસોમાં સતત અને નોંધપાત્ર વધારો થયો છે. જે કારણે મોંઘવારીમાં પણ વધારો થયો છે. 


આ પણ વાંચો - Vadodara : મિત્રના વિરહમાં બે યુવકોના આપઘાતનો મામલો, ત્રણેય મિત્રો વચ્ચેના 'અસાધારણ સંબંધો'નું ઘેરાતું રહસ્ય..!


  • Follow us on: