ગુજરાતના મુખ્ય શહેરોની મહાનગરપાલિકાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરત બાદ હવે વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની સનસનાટીભરી ધમકી મળી છે. ખાસ કરીને વડોદરામાં આવેલા મેઈલમાં ખાલિસ્તાની સંગઠન અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરવામાં આવતા જ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.
'ખાલિસ્તાન નેશનલ આર્મી'ના નામે ધમકી, IED બ્લાસ્ટનો ઉલ્લેખ
વડોદરા મહાનગરપાલિકાના મેયરની ઓફિસમાં આજે સવારે 9:00 વાગ્યે એક અત્યંત ચોંકાવનારો ઈ-મેઈલ આવ્યો હતો. આ મેઈલમાં મ્યુનિસિપલ કમિશનરનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેઈલમાં પત્ર લખનારે પોતાને 'ખાલિસ્તાન નેશનલ આર્મી'નો એન્જિનિયર ગુરુનાખ સિંહ રુકાન શાહવાલા ગણાવ્યો છે. જેમાં લખ્યું છે કે, "ગુજરાત બોલેગા ખાલિસ્તાન". આ મેઈલમાં બપોરે 3:11 વાગ્યે બ્લાસ્ટનો દાવો કરાયો છે. મેઈલમાં ધમકી આપવામાં આવી હતી કે, બપોરે 3:11 વાગ્યે મનપા કચેરીમાં IED કાર વડે મોટો બોમ્બ ધમાકો કરવામાં આવશે.
ગૃહમંત્રી અમિત શાહ નિશાને
આ મેઈલમાં માત્ર વડોદરા જ નહીં, પરંતુ દેશના ગૃહમંત્રી અમિત શાહની કચેરીને પણ ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. પત્રમાં એવો સનસનાટીભર્યો ઉલ્લેખ કરાયો છે કે, કેનેડામાં હરદીપસિંહ નિજ્જરને અમિત શાહના કહેવાથી ઉડાવી દેવાયો હતો, જેથી તેઓ તેમના નિશાના પર છે.

તપાસમાં કશું ન મળતા કામકાજ રાબેતા મુજબ શરૂ કરાયું
ધમકીભર્યો મેઈલ મળતા જ વડોદરા મનપાની તમામ કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડે કલાકો સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે, તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આખરે મામલો 'હોક્સ મેઈલ' જણાતા કર્મચારીઓને પરત ઓફિસમાં જવા દેવાયા હતા અને કામકાજ રાબેતા મુજબ શરૂ કરાયું હતું.
ભાવનગર મેયરના ઓફિશિયલ મેઈલ પર બિલ્ડિંગ ઉડાવવાની ધમકી
બીજી તરફ, ભાવનગર મહાનગરપાલિકા પણ આ પ્રકારની જ ધમકીનો ભોગ બની છે. ભાવનગર મનપાના સત્તાવાર મેઈલ એકાઉન્ટ અને મેયરના ઓફિશિયલ મેઈલ આઈડી પર બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં બપોરે બિલ્ડિંગ ઉડાવવાનો દાવો કરાયો હતો. આ મેઈલમાં પણ બપોરે 3:11 મિનિટે મનપાનું બિલ્ડિંગ બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કચેરી ખાલી કરાવાઈ
ધમકીની ગંભીરતાને જોતા ભાવનગર મનપા પ્રશાસને તાત્કાલિક કચેરીમાંથી તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને બહાર કાઢી આખું બિલ્ડિંગ ખાલી કરાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસનો મોટો કાફલો અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હાલ સમગ્ર બિલ્ડિંગમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
સાયબર ક્રાઇમ સક્રિય થયું
ગુજરાતના અલગ-અલગ શહેરોમાં મનપા કચેરીઓને જે રીતે બપોરે 3:11 વાગ્યે બ્લાસ્ટ કરવાના મેઈલ મળ્યા છે, તે જોતાં આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોવાનું દેખાઈ રહ્યું છે. હાલમાં સ્ટેટ સાયબર ક્રાઇમ અને ગુપ્તચર એજન્સીઓ આ તમામ મેઈલના IP એડ્રેસ અને તેના સોર્સને ટ્રેસ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ લંબાવી રહી છે.
આ પણ વાંચો - Surat News: SMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સાયબર ક્રાઇમ ટીમને તપાસ સોંપાઈ