સંસ્કારી નગરી વડોદરામાંથી પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ખાખી વર્દીને ફરી એકવાર શર્મસાર કરી છે. વડોદરાના સમા કેનાલ રોડ પાસે ફરજ પર તૈનાત ટ્રાફિક પીએસઆઈ દ્વારા એક વાહનચાલકને ટ્રાફિક નિયમોના ભંગ બદલ રોકવામાં આવ્યો હતો. વાહન રોક્યા બાદ ટ્રેનિંગ અને શિસ્ત ભૂલીને પોલીસ કર્મચારી અને વાહનચાલક વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક દ્વંદ્વ શરૂ થઈ ગયું હતું. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ હતી.


ઉશ્કેરાયેલા PSIએ જાહેરમાં મારી થપ્પડ

વાહનચાલક સાથેની તકરાર દરમિયાન કાયદાના રક્ષક ગણાતા ટ્રાફિક પીએસઆઈ પોતાનો આપો ખોઈ બેઠા હતા. અત્યંત ઉશ્કેરાઈ ગયેલા આ પોલીસ અધિકારીએ કાયદો અને મર્યાદાના ધજાગરા ઉડાવીને જાહેર રસ્તા પર જ વાહનચાલકને એક જોરદાર લાફો ઝીંકી દીધો હતો. પોલીસ કર્મચારીની આ દાદાગીરી અને અમાનવીય વર્તન જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. નિયમ ભંગ બદલ દંડ ફટકારવાને બદલે જાહેરમાં માર મારવાની આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.

પોલીસની કરતૂતનો લાઈવ વીડિયો વાયરલ

આ સમગ્ર શરમજનક ઘટનાનો ત્યાં હાજર કોઈ નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં લાઈવ વીડિયો ઉતારી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ વડોદરા પોલીસ પ્રશાસનની કામગીરી અને શિસ્ત સામે જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી આ મામલો પહોંચ્યા બાદ, સત્તાના નશામાં ચૂર થઈને કાયદો હાથમાં લેનારા ઉક્ત ટ્રાફિક પીએસઆઈ સામે તાત્કાલિક અસરથી સસ્પેન્શન સહિતના કડક અને વિભાગીય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: