વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી અને શહેરની જાણીતી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળવાના મામલામાં સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી છે. હડકંપ મચાવનારા આ કેસની ટેકનિકલ તપાસ કરી રહેલી સાયબર ક્રાઇમ ટીમને જાણવા મળ્યું છે કે જે ઈમેઈલ આઈડી પરથી ધમકી મોકલવામાં આવી હતી, તેનું આઈપી એડ્રેસ યુનાઇટેડ સ્ટેટ્સનું હોવાનું ટ્રેસ થયું છે.


મેઈલ કોઈ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે મનપા કચેરી અને નવરચના સ્કૂલ બંને જગ્યાએ મોકલવામાં આવેલા ધમકીભર્યા મેઈલ કોઈ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા છે.

મેઇલનું ડ્રાફ્ટિંગ, ભાષા શૈલી અને લખાણ એકસરખું

સાયબર એક્સપર્ટ્સે જ્યારે બંને જગ્યાએ આવેલા ધમકીભર્યા ઇમેઇલનું ટેકનિકલ એનાલિસિસ કર્યું, ત્યારે જાણવા મળ્યું કે તમામ મેઇલનું ડ્રાફ્ટિંગ, ભાષા શૈલી અને લખાણ એકસરખું જ છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે શહેરની શાંતિ ડહોળવા માટે કોઈ શાતિર ભેજાબાજે આ આખું ષડયંત્ર રચ્યું છે. 


 

એક જ પેટર્નના ધમકીભર્યા મેઈલ મળતાં જ તંત્ર દોડતું થઈ ગયું

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં વડોદરા મનપા અને સ્કૂલને એક જ પેટર્નના ધમકીભર્યા મેઈલ મળતાં જ તંત્ર દોડતું થઈ ગયું હતું અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

વીપીએન ના ઉપયોગની શંકા

હવે આ મામલે આંતરરાષ્ટ્રીય લિંક અથવા તો વીપીએન ના ઉપયોગની શંકા સેવાઈ રહી છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મેઈલ કયા સર્વર અને લોકેશન પરથી ઓપરેટ થઈ રહ્યા હતા તેની ઊંડી તપાસ શરૂ કરી છે, તેમજ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવાની તજવીજ પણ હાથ ધરી છે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ કરાર, હવે હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખુલશે ? વાંચો તમારા મનના તમામ સવાલોના જવાબ

  • Follow us on: