વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મધુનગર ચાર રસ્તાથી શરૂ કરીને 24 મીટરના રોડ પર વર્ષોથી થયેલા 40થી વધુ કાચા-પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની આ કાર્યવાહીના કારણે વર્ષોથી માર્ગ પરની અવરજવરને અડચણરૂપ બનતા દબાણોનો અંત આવ્યો છે. ગોરવા વિસ્તારમાં મધુનગર ચાર રસ્તાથી 24 મીટરના રોડની બંને બાજુએ આવેલા 40 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.


મધુનગર ચાર રસ્તા પરથી દબાણો દૂર કરાયા

આ દબાણો મોટાભાગે કોર્પોરેશનના વાણિજ્ય હેતુના પ્લોટ પર વર્ષોથી ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની દબાણ શાખા સહિતના વિવિધ વિભાગોની ટીમોએ સાથે મળીને આ કામગીરી કરી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોરવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

40 જેટલા કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા

દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાનના જણાવ્યા મુજબ શાંતિપૂર્ણ રીતે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી શહેરના માર્ગોને ખુલ્લા કરવામાં અને જાહેર વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે. કોર્પોરેશન દ્વારા ભવિષ્યમાં પણ અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.


  • Follow us on: