વરસાદ બાદ સમગ્ર રાજ્યના રોડ-રસ્તાની હાલત બિસ્માર થઈ જાય છે. જોકે, વરસાદ બાદ સરકાર દ્વારા રોડ-રસ્તાનું સમારકામ કરવામાં આવે છે. ઘણા રસ્તા એટલા ખરાબ હોય છે કે, નવા રોડ બનાવવા પડે છે. વડોદરામાં પણ રોડ-રસ્તાનું સમારકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. વડોદરાના અટલાદરામાં ત્રણ દિવસ પહેલા નવો રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડની ગુણવતાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


અટલાદરા તળાવ પાસે 3 દિવસ અગાઉ બનાવ્યો રોડ

વડોદરાના અટલાદરામાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડની ગુણવત્તા પર સવાલ સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસ અગાઉ બનેલો રોડ પગના ઠેબા મારતા ઉખડી જાય છે. જે કારણે સ્થાનિકો આ રોડ નબળી ગુણવતાનો હોવાનું જણાવી રહ્યા છે. આ રોડ અટલાદરા તળાવ પાસે 3 દિવસ અગાઉ બનાવવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ રોડ એટલો નબળો છે કે, એક મહિનામાં જ આ રોડ તૂટી જશે.

હાથથી પણ ઉખડી રહ્યો છે આ રોડ

અટલાદરાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં રોડની કાયમી સમસ્યા છે. લાંબા સમયથી આ રોડ બિસ્માર હતો. છેલ્લા છ મહિનાથી રોડમાં અતિશય ખાડા હતા. જેમાં ખાડામાં રોડ શોધવો પડે તેવી સ્થિતિ હતી. જે બાદ ત્રણ દિવસ પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો. જેની ગુણવતા અતિ નબળી છે. પગના ઠેબા કે હાથથી પણ આ રોડ ઉખડી રહ્યો છે. જો ભારે વાહનો આ રોડ પર ચાલશે તો શું હાલત થશે? આવામાં આ નવો બનેલો રોડ એક મહિનો પણ ટકશે નહીં. જે કારણે રસ્તાની સમસ્યા યથાવત રહેશે.

કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા સુચન આપવામાં આવ્યું છે કે, હવે જે રોડ-રસ્તા બને તે ટકાઉ હોવા જોઈએ. જો કોઈ કોન્ટ્રાક્ટર ટકાઉ રોડ ન બનાવે તો તેમની સામે બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આવામાં આ નવો બનેલો રોડ પગ મારતા જ ઉખડી રહ્યો છે. ત્યારે આવા તકલાદી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.

આમાં ભ્રષ્ટાચાર થયો છે - સ્થાનિક

સ્થાનિક રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ રોડની આવરદા 24 કલાકની જ હતી. માંડ માંડ રોડ મંજૂર થયો છે. એમાં પણ જો આવા નબળી કામગીરી કરવી હોય તો રોડ ન બનાવો એ જ સારું છે. આમાં ભ્રષ્ટાચાર થયો છે, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવા રોડ બનાવી જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. વરસાદની આગાહી છે, જો એક વરસાદ આવશે તો આ રોડ ચોક્કસથી ધોવાઈ જશે.

  • Follow us on: