વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં હડકાયા શ્વાનનો આતંક ફેલાયો હતો. એક હડકાયા શ્વાને રબારી વાગા અને શિનોર ચોકડી વિસ્તારમાં 6 નિર્દોષ લોકો પર હુમલો કરીને તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ છવાયો હતો. હડકાયા શ્વાને રસ્તા પર ચાલી રહેલા લોકોને અચાનક કરડી ખાવાનું શરૂ કરી દીધુ હતું. જેના કારણે 6 લોકો લોહીલુહાણ થઈ ગયા હતા.


ડભોઈ નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો

ઇજાગ્રસ્તોને તાત્કાલિક ડભોઈની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. જોકે વધુ સારવાર અને ઇમોગ્લોબિન લેવા માટે તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ ડભોઈ નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા. તદુપરાંત પાલિકા દ્વારા શ્વાનોના રસીકરણ કે ખસીકરણની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આ બેદરકારીને કારણે શ્વાન કરડવાની અને હડકવા જેવી ગંભીર બીમારી ફેલાવવાની શક્યતા વધી રહી છે.

પાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકમાં ભારે રોષ

સ્થાનિક લોકોમાં પાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોની માંગ હતી કે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી હડકાયા શ્વાનોને પકડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત શહેરમાં શ્વાનોની વધતી જતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે રસીકરણ અને ખસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવે. જો આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો વધુ લોકો ભોગ બની શકે છે.


  • Follow us on: