ગુજરાતમાં વાહન ચાલકોની સલામતિ માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટનો અમલ કરવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે વડોદરામાં આગામી 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે હેલ્મેટ ફરજિયાત અંગેની જાહેરાત કરી છે.
બાઇક ચાલક તથા બેસનાર માટે હેલ્મેટ ફરજીયાત
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આગામી 15 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટનો ફરજિયાત અમલ કરવા અંગેની જાહેરાત કરી છે. બાઈક ચાલક તથા પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, તમને હેલ્મેટ નહીં હોવાથી રોકનાર પોલીસ કોઈ વિલન નથી. નાગરિકો પોલીસને સહકાર આપે તેવી અપીલ કરી છે. હેલ્મેટની જરૂરિયાત તમારી માટે છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજકોટમાં પણ ફરજિયાત હેલ્મેટ અંગે જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત કરાતા હવે ફરીવાર પોલીસ અને લોકો વચ્ચે માથાકૂટ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અકસ્માતમાં સુરક્ષા માટે હેલ્મેટને ફરજિયાત કરવામાં આવ્યું છે અને પોલીસને સહકાર આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.