વડોદરાના જનજીવન અને પબ્લિક ટ્રાન્સપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરમાં સ્થાનિક મુસાફરી માટે દોડતી સિટી બસ સેવા આજથી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.
વિનાયક લોજિસ્ટિકનો કોન્ટ્રાક્ટ પૂરો
બસ ઓપરેટ કરતી કંપની વિનાયક લોજિસ્ટિકનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતાં અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવામાં આવતાં આજથી તમામ બસોના પૈડાં થંભી ગયા છે. પાલિકાના આ અણઘડ આયોજનને કારણે શહેરના અંદાજે 25 લાખથી વધુ નાગરિકો માટે મુસાફરીની મોટી ચિંતા ઊભી થઈ છે.
પાલિકાએ કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરતા નિર્ણય
મળતી માહિતી મુજબ, વડોદરામાં સિટી બસ સેવાનું સંચાલન કરતી વિનાયક લોજિસ્ટિક કંપનીનો કોન્ટ્રાક્ટ 30 જૂન સુધીનો જ હતો. કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો હોવા છતાં વડોદરા કોર્પોરેશન દ્વારા સમયસર તેની મુદત વધારવા કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અંગે કોઈ મક્કમ નિર્ણય લેવાયો ન હતો.
160 બસો આજથી નહી દો઼ડે
પરિણામે, કરાર સમાપ્ત થતાંની સાથે જ ઓપરેટર દ્વારા બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. આજથી શહેરના અલગ-અલગ રૂટ પર દોડતી 160 જેટલી સિટી બસો ડેપોમાં જ પાર્ક થયેલી જોવા મળી રહી છે.
રિક્ષાવાળાઓને જલસા
સિટી બસો બંધ થઈ જતાં દરરોજ અપ-ડાઉન કરતા નોકરિયાતો, શ્રમિકો અને શાળા-કોલેજ જતાં વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રિક્ષા ચાલકો દ્વારા મનફાવે તેમ ભાડાં વસૂલાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
30 જેટલી ઈ-બસ પર જ હવે આધાર
હાલના તબક્કે વડોદરાવાસીઓ માટે માત્ર 30 જેટલી ઈ-બસ જ કાર્યરત છે, જેના પર હવે આખા શહેરની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો આશરો રહેશે. જોકે, આટલા મોટા શહેર માટે માત્ર 30 બસો ઊંટના મોંમાં જીરા સમાન સાબિત થશે. જનતામાં રોષ છે કે પાલિકાએ અગાઉથી આ બાબતે યોગ્ય આયોજન કેમ ન કર્યું?
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો