ગુજરાતમાં સરકારી તંત્રના સારા અને નરસા અનેક અનુભવો લોકોને થતા હોય છે. ત્યારે એક વેપારીને સરકારી સિસ્ટમનો કડવો અનુભવ થયો છે. કાપડના વેપારીને તંત્રએ મૃત જાહેર કરી દેતા અનેક સવાલો ઉભા થયાં છે. સરકારી ચોપડે કાપડના વેપારી હનિફ કચ્છીને મૃત જાહેર કરવામાં આવ્યા છે. રેશનકાર્ડ ખોવાઈ જતાં વેપારી કચેરીએ ગયા હતાં જ્યાં તેઓ પોતે મૃત હોવાની જાણકારી મળી હતી.
જીવતા જીવ કપડાના વેપારીને મૃત જાહેર કરી દીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં હનીફ કચ્છી નામના કાપડના વેપારીનું રેશનકાર્ડ ખોવાઈ ગયું હતું. જેથી તેઓ રેશનકાર્ડ કઢાવવા માટે સરકારી કચેરીમાં ગયા હતાં. જ્યાં સરકારી ચોપડે તેઓ મૃત હોવાનું જાણવા મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતે જીવીત હોવા છતાં સરકારી તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમનો દીકરો જરૂરી કાગળો લઈને ગયો તો અધિકારીએ એવું કહ્યું હતું કે, તમારા પિતાનું નિધન થઈ ગયું છે.
દીકરો ડોક્યુમેન્ટ લઈને ગયો તો કહ્યું તમારા પિતા મરી ગયા
કાપડના વેપારી હનીફ કચ્છીએ કહ્યું હતું કે, હું જીવતો છું એવું મારે પુરવાર કરવું પડશે. કર્મચારીએ કહ્યું હતું કે, આ માટેની પ્રોસેસમાં 20 દિવસનો સમય લાગશે. સરકારી તંત્રના છબરડાને કારણે અનેક લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જીવતા માણસને તંત્રના કર્મચારીઓની બેદરકારી મૃત જાહેર કરી નાંખે છે. વડોદરામાં કાપડના વેપારીને હવે પોતે જીવીત છે એવું પુરવાર કરવા ભારે મુસીબતનો સામનો કરવો પડશે એવું તેમનું કહેવું છે.
વડોદરાના ડેપ્યુટી મામલતદાર ફાલ્ગુની ચંદાવરાનું નિવેદન
આ અંગે વડોદરાના ડેપ્યુટી મામલતદાર ફાલ્ગુની ચંદાવરાનું કહેવું છે કે, મારી સાસુ મરી જતા હું રજા પર હતી આજે જ ફરજ પર આવી છું.2017-18ના ડેટામાં સમસ્યા થઇ છે. રેશનકાર્ડ અપડેટ ન થતા તેમનું નામ મૃતકમાં જતું રહ્યું છે. કોઈ કર્મચારીએ ગેરવર્તન કર્યું હશે તો હું માફી માંગુ છું. આ સમસ્યાનો એક કલાકમાં અંત આવશે.