સાયબર ગુનેગારો હવે સામાન્ય લોકોને જ નહીં પરંતુ ભણેલા-ગણેલા ક્લાસ વન અધિકારીઓને પણ પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. વડોદરાના વાસણા રોડ પર આવેલી હરીનગર સોસાયટીમાં રહેતા એક ઇન્સ્યોરન્સ કંપનીના નિવૃત્ત અધિકારી અતુલ કાશીદેવ સાથે 1.59 કરોડની સાયબર ઠગાઈનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગોએ CBI, પોલીસ અને સુપ્રીમ કોર્ટના જજનો ડર બતાવી નિવૃત્ત અધિકારીને સતત ૧૮ દિવસ સુધી તેમના જ ઘરમાં 'ડિજિટલ એરેસ્ટ' કરી રાખ્યા હતા.
TRAI અને CBI ના નામે આવ્યો બોગસ કોલ
ગત 10મી માર્ચે અતુલભાઈ પર TRAI ના નામે માનવ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે જણાવ્યું કે તમારા નામના સીમકાર્ડથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના બોગસ અધિકારી ઇન્દ્રજીત રાણા અને CBI ના નામે વિજય પ્રકાશ નામના ઠગે એન્ટ્રી કરી હતી. તેમણે અતુલભાઈને ધમકાવ્યા કે નરેશ રોયલ નામના ગુનેગારે તમારા નામે ખાતું ખોલાવી 538 કરોડનું કૌભાંડ કર્યું છે અને તમને પણ 25 લાખનું કમિશન મળ્યું છે.
18 દિવસ સુધી રૂમમાં પૂર્યા, દર બે કલાકે હાજરી
સાયબર ઠગોએ સ્કાઇપ વીડિયો કોલ મારફતે અતુલભાઈને નકલી FIR અને સુપ્રીમ કોર્ટની બોગસ નોટિસો મોકલી 7 વર્ષની જેલની ધમકી આપી હતી. ઠગોએ એટલો સાયકોલોજિકલ ડર ઊભો કર્યો કે અતુલભાઈને ઘરના બારી-બારણાં બંધ રાખવા, પત્નીને સાથે બેસાડવા અને કોઈ સગા કે કામવાળી સાથે વાત ન કરવા મજબૂર કર્યા હતા. એટલું જ નહીં, દર બે કલાકે વીડિયો કોલ પર હાજરી પુરાવવાનો આદેશ આપ્યો હતો. ડરના માર્યા નિવૃત્ત અધિકારીએ પોતાની જિંદગીભરની કમાણી, બેંક FD અને સેવિંગ્સ મળી કુલ 1.59 કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
બેંક સત્તાવાળાઓ અને પુત્રીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
અતુલભાઈ જ્યારે વધુ રકમ ઉપાડવા બેંક પહોંચ્યા ત્યારે બેંક મેનેજરને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક અતુલભાઈની પુત્રીને ફોન કર્યો. પુત્રીએ પિતા સાથે વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો કે તેઓ ડિજિટલ એરેસ્ટ છે. પુત્રીએ સમય સૂચકતા વાપરી તુરંત સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે ઠગોના એકાઉન્ટ હોલ્ડ થતાં 11.36 લાખ પરત મેળવવામાં સફળતા મળી છે અને હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live: અલ નિનોના ખતરાથી PMનું રાજ્યોને એલર્ટ કર્યુ, કહ્યું તૈયાર રહો