વડોદરાના ડેસર તાલુકાના સાઢાસાલ પંથકના ગ્રામજનો મોટી સંખ્યામાં ડેસર ખાતેની એમજીવીસીએલ કચેરી ખાતે વીજ પુરવઠા બાબતે રજૂઆત કરવા માટે ઉમટયા હતા. વારંવાર ખોરવાતા વીજ પ્રવાહથી સાઢાસાલ, મેવલી, દીપાપુરા, ચોર્યાના મુવાડા, પંથકમાં અગ્રણીઓ સવારે 10:30 વાગ્યા દરમિયાન કચેરીએ ઉમટ્યા હતા. પરંતુ ડેપ્યુટી ઈજનેર સહિત કોઈપણ કર્મચારી તેઓની રજૂઆત સાંભળવા માટે કચેરીએ હાજર ન હતા. બપોરે 1 વાગ્યા સુધી સાઢાસાલ સહિતના ગામડાઓમાંથી રોષે ભરાઈ ઉમટેલા ગ્રામજનો રાહ જોઈને બેઠા હતા. તેવામાં ડેપ્યુટી ઈજનેર આવતા તમામ મધમાખીની જેમ ઉગ્ર રજૂઆતો કરવા લાગ્યા હતા.
200થી વધુ લોકોનું ટોળું રોષે ભરાઈ એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યું
24 કલાકથી વીજ પુરવઠો સાઢાસાલ સહિત આજુબાજુના ગામોમાં વારંવાર ખોરવાઈ જાય છે, સવારે 4:00થી લઈ સાંજે 5:00 વાગ્યા સુધી વીજ પુરવઠો સદંતર ખોરવાઈ જતા ખૂબ જ રોષે ભરાયેલા ગ્રામજનોનું 200 ઉપરાંતનું ટોળું રોષે ભરાયું હતું અને એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા. અગાઉ લીંબડી અને પાંડુ મેવાસના ગ્રામજનો વારંવાર ખોરવાતા વીજ પુરવઠાને લઈ મોડી રાત્રે એમજીવીસીએલ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. પરંતુ મિજાજ પારખી ગયેલા ડેપ્યુટી ઈજનેરે ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો શરૂ કરાવ્યો હતો, તાલુકાના ગોરસણમાં થોડા દિવસો અગાઉ એમજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂત પત્નીને વીજ વાયર અડી જતા મોતને ભેટી હતી, છતાં હજુ સુધી ખેતરોની વાળો ઉપર લટકતા વીજ વાયરો સરખા કરવામાં આવ્યા નથી.
વીજળી ડૂલ થતાં વીજ ઉપકરણોને ભારે નુકસાન થયું
ડેસરની એમજીવીસીએલ કચેરીનો વહીવટ છેલ્લા બે મહિનાથી કથડી ગયો છે, તેના લીધે રોજે રોજ તાલુકા વાસીઓને અંધારા ઉલેચવાની ફરજ પડી છે. વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી નાના મોટા દુકાનદારો, ખેડૂતો,ગ્રામજનો એમજીવીસીએલના કર્મચારીઓ પર ખૂબ જ રોષે ભરાયા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર કામગીરી થતી નથી, ચોમાસુ આવતા પહેલા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ ડેસર વીજ કચેરી દ્વારા તે પણ કામગીરી કરવામાં આવી નથી, વરસાદી માહોલ જામ્યો છે અને બે દિવસ પૂર્વે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, વરસાદ વરસવાનું શરૂ થાય તે પહેલા રાત્રિ દરમિયાન સમગ્ર ડેસર સહિત તાલુકામાં વીજળી ડુલ થતાં જ તાલુકા વાસીઓને અંધારા ઉલેચવાની સાથે ગરમી અને બફારાનો સામનો કરવો પડે છે. વારંવાર વીજળી ડૂલ થતાં તાલુકા વાસીઓના વીજ ઉપકરણોને ભારે નુકસાન થયુ છે.