Vadodara News: રાજ્યમાં દારૂબંધી હોવાનો દાવો સરકાર અને પોલીસ કરે છે. જોકે, દારૂ મુદ્દે ગાંધીના ગુજરાતમાં વિવાદો સર્જાતા રહે છે. પોલીસની કડક કાર્યવાહી છતા પણ ગુજરાતમાં દરેક શહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની વાત નાગરિકો પોતે જ સ્વીકારતા હોય છે. આવામાં વડોદરામાં દારૂના વેચાણ મામલે મહિલાઓ રણ ચંડી બની હતી. સમા સંજય નગરની મહિલાઓએ દારૂ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કર્યો હતો.


મહિલાઓ કેમ કરી રહી છે વિરોધ પ્રદર્શન?

વડોદરામાં બુટલેગરો વિરુદ્ધ મહિલાઓએ મોરચો ખોલ્યો છે. વડોદરા શહેરમાં આવેલા સમા સંજય નગરની મહિલાઓએ પ્લે કાર્ડ સાથે વડોદરા પોલીસ ભવન ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મહિલાઓએ બુટલેગરો દારુ વેચતા હોય તેવા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મહિલાઓ દ્વારા પોલીસ તાત્કાલિક આવા બુટલેગર સામે પગલા ભરે તેવી માંગ કરવામાં આવી હતી. મહિલાઓનું કહેવું છે કે, આ અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

દારૂ અને બીયરનું ખુલ્લેઆમ વેચાણ

વડોદરા શહેરના સમા સંજય નગરની મહિલાઓ તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના મામલે વડોદરા પોલીસ ભવન ખાતે પ્લે કાર્ડ સાથે પહોંચી હતી. જ્યાં તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેઓએ બુટલેગરોના દારૂ સાથેના ફોટા પણ પ્લે કાર્ડમાં લગાવ્યા હતા. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે, તેમના વિસ્તારમાં બુટલેગરો દારૂ અને બીયરનું વેચાણ ખુલ્લેઆમ કરી રહ્યા છે.

બુટલેગરના ધંધા સાંજના સમયે ધમધમતા હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જે કારણે વિસ્તારના લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ તાત્કાલિક પોલીસ દ્વારા આવા બુટલેગર સામે પગલા ભરવામાં આવે તેવી કરી માંગ કરી છે.

  • Follow us on: