વલસાડ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 8 વાગ્યેને 25 મિનિટે ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા નોંધાયેલી માહિતી મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 જેટલી માપવામાં આવી છે. 2.5ની ઓછી તીવ્રતાના કારણે, મોટાભાગના વિસ્તારોમાં આંચકા હળવાશથી અનુભવાયા હતા, પરંતુ ભૂકંપના કારણે લોકો થોડા સમય માટે ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 46 કિમી દૂર નોંધાયું
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) વલસાડ શહેરથી લગભગ 46 કિલોમીટર દૂર આવેલું હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી થોડું દૂર હોવાથી વલસાડ શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોમાં તેની અસર વધુ અનુભવાઈ હોવાની શક્યતા છે. જોકે, ભૂકંપની ઓછી તીવ્રતાને કારણે જાન-માલનું કોઈ મોટું નુકસાન થયાના સમાચાર હજી સુધી પ્રાપ્ત થયા નથી, જે રાહતની વાત છે.













