વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્રો, બસ સ્ટેશન, બજાર વિસ્તાર અને ધાર્મિક સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે 710 પોલિયો બૂથ ગોઠવી 0થી 5 વર્ષના તમામ બાળકોને બે ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી 13 અને 14 ઓક્ટોબરના રોજ પણ હાથ ધરાશે, જેમાં બાકી રહી ગયેલા બાળકોને 'હાઉસ ટુ હાઉસ' જઈ પોલીયોના ટીપાં પીવડાવી સશક્ત ભારતના ઘડવૈયા બનાવવામાં આવશે.
પોલીયોના બે ટીપાએ બાળકને આપેલુ જીવનભરનું સુરક્ષા કવચ
પોલીયો એક ખતરકનાક વાયરસજન્ય રોગ છે, જે બાળકના હાથ પગને નિષ્ક્રિય કરી બાળકનું આખું જીવન અસરગ્રસ્ત બનાવી દે છે, પરંતુ સરકાર અને સમાજના પ્રયત્નથી આજે આ રોગનો અંત લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોલીયોથી રક્ષણ મેળવવા માટે સૌથી સરળ અને અસરકારક એટલે પોલીયોના બે ટીપાં. વલસાડ જિલ્લામાં કલેકટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના નેતૃત્વ હેઠળ 12થી 14 ઓક્ટોબર સુધી પોલીયો અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનનું મુખ્ય સૂત્ર છે, બે ટીપાં જીવનના. પોલીયોના બે ટીપાં એ બાળકને આપેલુ જીવનભરનું સુરક્ષા કવચ છે.













