પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)નો 40મો સ્થાપના દિવસ 13 ઑક્ટોબર, 2025 ના રોજ વલસાડ સ્થિત RPFના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે વલસાડ જિલ્લા મીડિયા કર્મીઓ સાથે આરપીએફ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઉજવણી વિશે માહિતગાર કર્યા હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સવારે પરેડનું નિરીક્ષણ કરશે
પશ્ચિમ રેલવેના આરપીએફના ઈન્સ્પેકટર જનરલ -વ- પ્રિન્સીપાલ ચીફ સિક્યુરિટી કમિશ્નર અજય સદાણીએ જણાવ્યું કે, RPFના સ્થાપના દિવસની ઉજવણીના સમારોહમાં રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક અને રેલવે બોર્ડના અધિકારીઓ સહિત ભારતીય રેલવેના તમામ RPF અધિકારીઓ હાજર રહેશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સવારે પરેડનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સભાને સંબોધિત કરશે. આ પરેડ ટુકડીમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPSF) પ્લાટૂન, RPF મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન, ડોગ સ્ક્વોડ, સેગવે પ્લાટૂન અને RPF બેન્ડનો સમાવેશ થશે. પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રશંસનીય સેવા બદલ પુરસ્કાર વિજેતાઓને મંત્રીના હસ્તે પ્રતિષ્ઠિત પુરસ્કારો અર્પણ કરાશે. આ સમારોહનું મુખ્ય આકર્ષણ ટીમ RPF દ્વારા રજૂ થનારો મલખંમ શો રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રી મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.













