વલસાડના ઉમરગામ મામલતદાર કચેરીની જર્જરિત હાલત ફરી એકવાર સામે આવી છે. કચેરીના ઈ-ધારા વિભાગમાં કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક છતનું પ્લાસ્ટરનું પોપડું નીચે પડતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાની થઈ નથી. ઘટના બન્યા બાદ થોડા સમય માટે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી અને છત પરથી પડેલા પ્લાસ્ટરની સફાઈ કરવામાં આવી હતી.


ઉમરગામ મામલતદાર કચેરીના ઇ-ધારા વિભાગમાં બની ઘટના

ત્યારબાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે આ ઘટનાએ કચેરીની જર્જરિત હાલત અને કર્મચારીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઉમરગામ મામલતદાર કચેરીની ઇમારત ઘણી જૂની અને ખખડધજ હાલતમાં હોવાથી કર્મચારીઓ સતત ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબૂર છે. આ પ્રકારની ઘટનાઓ કર્મચારીઓ અને કામ માટે આવતા નાગરિકો માટે જોખમ ઊભું કરે છે.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

આ ઘટના બાદ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમની માંગ છે કે કચેરીનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા નવી સુરક્ષિત ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવે. આ મામલે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાન આપીને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. જો આ પ્રકારની બેદરકારી જળવાઈ રહેશે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે


  • Follow us on: