ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાના બેદિવસીય કલા મહાકુંભ 2025-26 વલસાડના કોલેજ કેમ્પસ ખાતે આવેલા સંસ્કાર કેન્દ્રમાં શાહ એન.એચ.કોમર્સ કોલેજના સહયોગથી પ્રારંભ થયો હતો. 20 અને 21 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર આ કલા મહાકુંભમાં અંદાજે 2000 સ્પર્ધકો કુલ 23 કૃતિઓ રજૂ કરશે.


રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભના ઉદઘાટન પ્રસંગે સમારંભના અધ્યક્ષસ્થાનેથી વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાએ પ્રાચીન સંસ્કૃતિના મૂલ્યો અને કૌશલ્ય ભૂલાય રહ્યા છે, તેને ઉજાગર કરવા અને આ સમૃધ્ધ વારસાને જાળવી રાખવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે એમ જણાવી વધુમાં કહ્યું કે, કલા દરેક પ્રકારની હોય છે પરંતુ દરેક વ્યક્તિને બધી કલા આવડતી નથી. કલાએ ભગવાને આપેલુ આભૂષણ છે. આ કલા મહાકુંભમાં ભાગ લેનાર દરેક બાળકો પોતાની ઉત્કૃષ્ટ કલા મંચ પર પ્રદર્શિત કરી રહ્યા હોવાથી તમામ સ્પર્ધકો વિજેતા છે. આપણા દેશનો મહાન કલા વારસો વિદેશના લોકો અપનાવી રહ્યા છે ત્યારે આપણી કલા જીવંત રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કલા એક પ્રકારની સ્કિલ છે. જેને કોઈ ચોરી શકતુ નથી. કલા એ આપણી પોતાની આવડત છે. કલામાં એવી તાકાત છે કે, જે તમારા મગજને સ્થિર રાખે છે. દરેક વ્યકિતમાં ભગવાને કોઈક ને કોઈક કલા આપી છે જરૂર છે તેને જાગૃત કરવાની.

કાવ્ય લેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓરગન તથા શાસ્ત્રીય કંઠય સંગીત સહિતની કૃતિઓ રજૂ થશે

જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોષીએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, આ કલા મહાકુંભથી દરેક વ્યકિત પોતાની સુષુપ્ત શક્તિ વિકસાવી શકે છે. અભ્યાસ સિવાયની વિવિધ પ્રવૃત્તિ જેવી કે, વાંસળી, તબલા, લોકગીત, ભજન, અભિનય, વકૃતત્વ સ્પર્ધા, ચિત્ર કળા અને નિંબધ લેખન સહિતની વિવિધ કલાને ઉજાગર કરવા માટે આ કલા મહાકુંભનું આયોજન કરવાનો ઉદેશ્ય છે.અહીં જે વિજેતા છે તેઓ પ્રદેશ કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા જશે. વલસાડ શાહ એન.એચ.કોમર્સ કોલેજની સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના અધ્યક્ષ પ્રા. દક્ષાબેન ઠાકોરે સ્વાગત પ્રવચનમાં રાજ્ય સરકારના પ્રયાસને બિરદાવી જણાવ્યું કે, આ કલા મહાકુંભના આયોજનથી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ વિકસે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે અથાગ પ્રયાસ દ્વારા બાળકોનું ચારિત્ર્ય ઘડતર થઈ રહ્યુ છે. પુસ્તકો જે તે વિષયનું જ્ઞાન અને કુશળતા આપે છે પરંતુ સારા નાગરિક બનવા માટે અભ્યાસ ઈતર પ્રવૃત્તિ ઉપયોગી છે. આ કલા મહાકુંભમાં વલસાડ જિલ્લાના છ તાલુકામાંથી કલાકારો લોકવાર્તા, ગરબા, દોહા- છંદ- ચોપાઈ, સ્કુલ બેન્ડ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગરી, ઓરગન તથા શાસ્ત્રીય કંઠય સંગીત(હિન્દુસ્તાની) જેવી વિવિધ કલાઓમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.


  • Follow us on: