વલસાડના ધમડાચી ગામમાં વૃક્ષ કાપવાનો વિવાદ સામે આવ્યો છે. સરપંચ દ્વારા ગામના મુખ્ય માર્ગો પર આવેલા વૃક્ષોને પરવાનગી વગર કાપી નાખી બારોબાર સૌ મિલ સંચાલકોને આપી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર મામલે ગામના જ અગ્રણીઓ અને માજી તાલુકા પંચાયત પ્રમુખે ફરિયાદ કરતા મહિલા સરપંચને બદલે સરપંચ પતિ કારભાર કરતા પંચાયતનું રાજકારણ ગરમાયું છે.


ઝાડને ટ્રીમિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

વલસાડના ધમડાચી ગામના સરપંચ દ્વારા મુખ્ય માર્ગો પર આવેલા ઝાડને ટ્રીમિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ઘણી જગ્યા પર ઝાડને થડમાંથી જ કાપી નાખવામાં આવતા ગામના જ અગ્રણી અને માજી ગ્રામ પંચાયત સભ્ય દિનેશભાઈ છીબાભાઈ પટેલે ડીડીઓ, ટીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલાને જોતા મુખ્ય માર્ગો પર આવેલા ઝાડોને ફરી નિકંદન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા માજી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણ પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

મહિલા સરપંચના પતિ કારભાર સંભાળતા ગામ લોકોમાં રોષ વ્યાપ્યો

આ સમગ્ર મામલે તપાસની માગ કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની પરવાનગી વગર આ ઝાડોને કાપી દેવામાં આવતા ગ્રામ પંચાયતને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર મામલે સરપંચને બદલે મહિલા સરપંચના પતિ કારભાર સંભાળતા ગામ લોકોમાં રોષ વ્યાપ્યો છે. મીડિયા સમક્ષ પણ સરપંચ પતિ જ જવાબ આપતાં સરપંચના કામો કરવાની નીતિ પર સવાલ ઉઠ્યા છે.


  • Follow us on: