વાપી શહેરમાં ઈદ-એ-મિલાદના જુલૂસ દરમિયાન કેટલાક યુવકોએ જાહેર માર્ગ પર જીવલેણ સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો પોલીસના ધ્યાન પર આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ સ્ટંટ કરનાર પાંચ યુવકોની ધરપકડ કરી છે.


કારના બોનેટ પર બેસીને યુવકોએ જોખમી સ્ટંટ કર્યા હતા

વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જુલૂસ દરમિયાન એક કાર ધીમી ગતિએ ચાલી રહી હતી અને તેના બોનેટ પર બે થી ત્રણ યુવકો બેસીને જોખમી સ્ટંટ કરી રહ્યા હતા. આ બેદરકારીભર્યા કૃત્યને કારણે માત્ર તેમના પોતાના જ નહીં પરંતુ રસ્તા પર ચાલી રહેલા અન્ય લોકો અને વાહનચાલકોના જીવને પણ જોખમમાં મુકાયા હતા. આ ઘટના બાદ વાપી પોલીસે વિડીયોમાં દેખાતી કારના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી.

સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને સ્ટંટ કરનાર યુવકોની ઓળખ કરી અને તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવા કૃત્યો સમાજમાં ખોટો સંદેશો ફેલાવે છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ માટે પણ પડકારરૂપ બને છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ ઝડપી કાર્યવાહીથી સમાજમાં સારો સંદેશ પહોંચ્યો છે કે આવા જોખમી અને બેજવાબદાર કૃત્યોને સાંખી લેવામાં નહીં આવે. વાપી પોલીસે યુવાનોને કાયદાનું પાલન કરવા અને આવા જોખમી સ્ટંટથી દૂર રહેવા માટે અપીલ પણ કરી છે.


  • Follow us on: