વેરાવળમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીનો ભોગ બનેલી એક પરિણીતાએ માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ પોલીસે આ છેતરપિંડી કરનારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક પરિણીતાનું નામ પૂજાબેન ચોલેરા હતું. તેમને વોટ્સએપ કોલ દ્વારા એક અજાણ્યા નંબર પરથી ધમકીઓ મળતી હતી.
પોલીસના નામે આપવામાં આવતી હતી ધમકી
આ ધમકી આપનાર વ્યક્તિએ પોતાને પોલીસ કે ઈન્કમટેક્સના અધિકારી તરીકે ઓળખાવ્યો હતો અને પૂજાબેનને જણાવ્યું હતું કે તેમનો આખો પરિવાર એક ગુનામાં ફસાઈ જશે. આ ધમકીઓથી ડરી જઈને પૂજાબેને ક્યુઆર કોડ મારફતે આરોપીઓને ₹1.15 લાખ આપી દીધા હતા. જોકે આટલી રકમ પડાવ્યા પછી પણ આરોપીઓએ વધુ પૈસાની માંગણી ચાલુ રાખી અને પૂજાબેનને સતત વોટ્સએપ કોલ કરીને પરેશાન કરતા રહ્યા. આ ધમકીઓ અને માનસિક ત્રાસથી પૂજાબેન ભારે તણાવમાં રહેતા હતા.













