વેરાવળ શહેરના પોશ વિસ્તાર ગણાતા મોદીની વાડી ગંગાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓનો સ્થાનિકોએ પર્દાફાશ કર્યો છે. નાગરિકોએ જાતે જ જનતા રેડ પાડીને આ મામલો પોલીસ સમક્ષ લાવતાં ભારે ચકચાર મચી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હતી.


રહેણાંક મકાનમાં અનૈતિક પ્રવૃત્તિનો લોકોનો આરોપ

આ અંગેની જાણ થતાં એક સપ્તાહ પહેલાં જ સ્થાનિકોએ પોલીસને લેખિત અરજી પણ આપી હતી. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આજે લોકોએ જાતે જ પગલાં ભરવાનું નક્કી કર્યું. તેમણે શંકાસ્પદ મકાન પર જનતા રેડ કરી અને ત્યાંથી દ્વારકાની એક યુવતી અને એક કથિત દલાલને ઝડપી પાડ્યો. આ ઘટના બાદ લોકોએ પોલીસને જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તેમણે સાત વાર ફોન કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

આખરે સિટી પી.આઈ. ગોસ્વામી સહિતનો સર્વેલન્સ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તુરંત જ યુવતી અને કથિત દલાલની અટકાયત કરી અને તેમની આકરી પૂછપરછ હાથ ધરી છે. આ પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોની ઓળખ કરવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસની કામગીરી અને આવા ગેરકાયદેસર ધંધાઓ પર અંકુશ મૂકવા માટેના પગલાં પર સવાલો ઊભા કર્યા છે.


  • Follow us on: