વેરાવળના મંડોર ગામ નજીકથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ગાગળીયા ઘુના નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ યુવક અકસ્માતે પાણીમાં પડી જવાથી મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતક યુવકની ઓળખ દેવા ભીખુભાઈ કામળિયા રહેવાસી પ્રભાસ પાટણ તરીકે થઈ છે.


ગાગળીયા ઘુના નજીક આ યુવકનો મૃતદેહ મળી આવ્યો

જાણવા મળ્યું છે કે દેવા સોમનાથ મહાદેવ મંદિરમાં ફોટોગ્રાફીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ ઘટના સ્થળ નજીકથી તેનું મોપેડ પણ મળી આવ્યું છે. જેના પરથી સંભાવના છે કે તે અકસ્માતે પાણીમાં પડી ગયો હશે. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પ્રભાસ પાટણ પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો

પોલીસે મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસ દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને દેવાના પરિવારમાં ભારે શોક અને આઘાતનો માહોલ છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પાણીની નજીક હંમેશા સાવચેતી રાખવી કેટલી જરૂરી છે. પોલીસ હાલ આ મામલે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


  • Follow us on: