મહેસાણાના વિજાપુરમાં રવિવારે બે જુદા જુદા અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક બાળક અને એક શ્રમિકનો સમાવેશ થાય છે. આ ઘટનાઓમાં બે અલગ-અલગ કાર ચાલકો સામે પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


વસાઈ ગામ નજીક અકસ્માત

વિજાપુરના વસાઈ ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. એક પરિવાર રિક્ષામાં હાઈવે ક્રોસ કરી તઃયો હતો ત્યારે એક કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર 28 દિવસના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિજાપુર હાઈવે પર હિટ એન્ડ રન

આ ઉપરાંત, વિજાપુર હાઈવે પર ગોવિંદપુરાથી આનંદપુરા ચોકડી વચ્ચે એક શ્રમિકનું હિટ એન્ડ રન અકસ્માતમાં મોત થયું છે. શ્રમિક ચાલીને જઈ રહ્યો હતો ત્યારે એક કારચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક પોતાનું વાહન લઈને ફરાર થઇ ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર થયેલા કારચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: