સરકાર એક તરફ સ્વદેશી અપનાવવાનો આગ્રહ કરી રહી છે અને દિવાળીના તહેવારોમાં મોટા પાયે સ્વદેશી વસ્તુઓ જ ખરીદાય તેવી લોકોને અપીલ કરી રહી છે ત્યારે મહેસાણાના વિસનગરમાં ચાઇનીઝ દીવડાઓથી સામુહિક આરતી કરાતા વિવાદ સર્જાયો છે.


 સરકારના કાર્યક્રમમાં જ ચાઇનીઝ દીવડાનો ઉપયોગ કરાયો

સરકારી તંત્રમાં દિવા તળે અંધારું હોય તેવા કિસ્સા અનેક વખત બહાર આવ્યા છે ત્યારે વિસનગરના સરકારી કાર્યક્રમમાં જ ચાઇનીઝ દિવડાથી સામુહિક આરતી કરવામાં આવી હતી. સરકારના કાર્યક્રમમાં જ ચાઇનીઝ દિવડાનો ઉપયોગ કરાયો હતો.

વિસનગરમાં બહેનોએ ચાઇનીઝ દીવડાથી આરતી કરવામાં આવી

સરકાર હંમેશા લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપે છે અને ખાસ કરીને હાલ દિવાળીના તહેવારો નજીક છે ત્યારે લોકોને સ્વદેશી ચીજોનો ઉપયોગ કરવા અને સ્વદેશી ચીજોની ખરીદી કરવા માટે આગ્રહ કરાય છે ત્યારે વિસનગરમાં બહેનોએ ચાઇનીઝ દીવડાથી આરતી કરવામાં આવી છે.

305 ભજન મંડળીઓની 11,000 બહેનો હાજર હતી

સરકારી કાર્યક્રમ આજ ની ઘડી તે રળિયામણી- ભજન સંધ્યામાં ભવ્ય સામૂહિક આરતીનું આયોજન કરાયુ હતું જેમાં 305 ભજન મંડળીઓની 11,000 બહેનો હાજર હતી. દરેક મહિલાના હાથમાં ઇલેક્ટ્રિક ચાઇનીઝ દીવા હતા. નવાઇની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.

ઇલેક્ટ્રિક દીવામાં Made in China લખેલું જોવા મળ્યું

ઇલેક્ટ્રિક દીવામાં Made in China લખેલું જોવા મળ્યું હતું અને સરકારનો મેક ઇન ઈન્ડિયા નારો સરકારના જ કાર્યક્રમમાં ફેઇલ થયેલો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં માટીના કોડિયા વાપરી શકાયા હોત પણ સરકારી તંત્રએ ચાઇનીઝ દીવા લાવીને કાર્યક્રમનો ફિયાસ્કો કરી નાંખ્યો હતો.

લોકોને રોજગારી મળત

અધિકારીઓ આ કાર્યક્રમમાં ચાઇનીઝ દીવાની જગ્યાએ મીણબત્તી કે માટીના કોડિયા પણ વાપરી શકાત જેથી ગૃહ ઉધ્યોગ ની મીણબત્તી કે માટીના કોડિયા થી લોકોને રોજગારી મળત પણ સ્થાનિકોને રોજગારીની જગ્યાએ હજારો ચાઇનીઝ દીવડા ઉપયોગમાં લેવાયા હતા. 

  • Follow us on: