આજે સમગ્ર વિશ્વમાં 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ યોગા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ છે. ગાંધીનગરના માણસા ખાતે રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જ્યાં મુખ્યમંત્રીએ વિવિધ યોગાસન કર્યા હતાં. આ ઉપરાંત અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગ કર્યા હતાં. 


સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણી

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી આ કાર્યક્રમમાં જોડાયા હતાં. મોટી સંખ્યામાં પ્રવાસીઓએ પણ આ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. એનસીસી, પોલીસ અને એસઆરપીના જવાનો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતાં. અમરેલી જિલ્લામાં પણ લાઠી તાલુકાની શાળામાં યોગ દિવસનું આયોજન કરાયું હતું. યોગા ટીચર દ્વારા વિવિધ આસનો કરાવાયા હતાં. સાંસદ ભરત સુતરિયાએ લાઠી ખાતે યોગ કર્યા હતાં. 

સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં એકથી બે દિવસમાં પાણી પહોંચશે

રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે, સિંચાઈ વિભાગે નર્મદાનું પાણી છોડવાનું ચાલુ કરી દીધું છે. કેબિનેટની બેઠકમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. સૌરાષ્ટ્રમાં તમામ ડેમમાં એકથી બે દિવસમાં પાણી પહોંચશે. નવસારીમાં પણ કેબિનેટ મંત્રી નરેશ પટેલે યોગ કર્યા હતાં. મનપા દ્વારા ટાઉન હોલ ખાતે યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શામળાજી ખાતે પણ મંદિર પરિસરમાં યોગ દિવસની ઉજવણી

યાત્રાધામ શામળાજી ખાતે પણ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશાળ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. રાજ્યના મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. તેમણે યોગાભ્યાસ કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યોગ ભારતની પ્રાચિન અને અમૂલ્ય ધરોહર છે. યોગથી શારીરિક અને માનસિક સહિત આધ્યાત્મિક સંતુલન શક્ય બને છે. તેમણે નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવાની અપીલ કરી હતી. 

આ પણ વાંચોઃ Surat News: મનપામાં 12 સમિતિઓ રચાશે, મહિનાથી ઠપ્પ પડેલા વિકાસકાર્યો હવે શરૂ થશે



  • Follow us on: