મોરબીનો સિરામિક ઉદ્યોગ દર વર્ષે અમેરિકામાં અંદાજે રૂપિયા 1600 કરોડની ટાઈલ્સની નિકાસ કરે છે. તેવામાં ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા ટેરિફ લાગુ કરવાનો બૉમ્બ ફોડતા સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ભારતથી આયાત થતી પ્રોડક્ટ ઉપર અમેરિકાએ 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે સિરામિક ટાઈલ્સ ઉપર પહેલાંથી જ અમેરિકામાં 9 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી અને 3 ટકા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગે છે.


ટેરિફ લગાવામાં આવ્યો હોવાથી ત્યાંની માર્કેટમાં ટકી રહેવું હવે મુશ્કેલ બનશે: વેપારીઓ

આ ઉપરાંત છેલ્લા ત્રણેક મહિનાથી 10 ટકા ટેરીફ લગાવામાં આવી રહ્યો છે. એટલે અત્યારે ટાઈલ્સ ઉપર 22 ટકા ટેક્સનું ભારણ લાગે છે પણ હવે 25 ટકા ટેરિફની જાહેરાત થતાં મોરબીના સિરામિક ઉદ્યોગના માલ પર કુલ 37 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ અંગે મોરબના વોલ ટાઈલ્સ એસોસિયેશનના પ્રમુખ હરેશ બોપલીયાએ કહ્યું કે અમેરિકામાં અન્ય જે દેશો પાસેથી સિરામિક પ્રોડક્ટ આયાત કરે છે. તેની સાપેક્ષે ભારત ઉપર વધુ ટેરિફ લગાવામાં આવ્યો હોવાથી ત્યાંની માર્કેટમાં ટકી રહેવું હવે મુશ્કેલ બનશે. ત્યારે મોરબીના વિટ્રિફાઈડ ટાઈલ્સ એસોસિયેશનના પ્રમુખ મનોજ એરવાડીયાએ જણાવ્યું કે અમેરિકાએ ટેરિફ 7 દિવસ માટે મુલતવી રાખી અને ત્યારબાદ ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. હવે 7 દિવસ દરમિયાન વાટાઘાટો થાય અને અમેરિકા ટેરિફ હળવો કરે તેવી સિરામિક ઉદ્યોગકારોને આશા છે. જો ટેરિફ હળવો નહી થાય તો ત્યાંના વેપારમાં મોટો ફટકો પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

અમેરિકાએ 25 ટકા ટેરિફ લગાવવાની કરી જાહેરાત

તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યુ હતું. તે દરમિયાન તેમને જણાવ્યું હતું કે પાકિસ્તાન સામે સિઝફાયર કરવામાં કોઈ પણ દેશનો હાથ નથી. ભારતની કાર્યવાહીથી ગભરાઈને પાકિસ્તાન ઘુંટણીયે પડ્યું હતું અને આપણા DGMOને ફોન કરીને સિઝફાયર કરવા માટે વિનંતી કરી હતી, ત્યારબાદ ભારતે આ પગલું ભર્યુ હતું. તે બાદ અમેરિકાએ ભારત પર પણ 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે અને જેને પગલે અમેરિકામાં ઈમ્પોર્ટ કરતા તમામ વેપાર પર તેની અસર જોવા મળી રહી છે.


  • Follow us on: