રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ના અનુસંધાને રાજય ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે.
ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે
જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. આચાર સંહીતામાં સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે. આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો, તથા જાહેર સ્થળો હોય તેવા તમામ આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે.
રાજકીય પક્ષના સભ્યોની પ્રાસંગિક મિટિંગને પણ મંજુરી આપી શકાશે નહીં
રાજકીય પ્રવૃત્તિઓમાં રાજકીય ચર્ચા, ટેલીફોન ઉપર વાર્તાલાપ તથા મુલાકાતી સહીતની બાબતોનો સમાવેશ થશે. વિશ્રામ ગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થું અધિકારો ભોગવશે નહીં અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેવાનો રહેશે પરંતુ કોઈપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણું)નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રાજકીય પક્ષના સભ્યોની પ્રાસંગિક મિટિંગને પણ મંજુરી આપી શકાશે નહીં.
અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં
ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકશે.જો તેઓ આ માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહના કમ્પાઉન્ડમાં રાખી શકશે નહીં. એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.
રૂમોની ફાળવણી પણ નહી કરી શકાય
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજ્યના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા આપવામાં આવેલી હોય તેમને રાજય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્રસરકાર અગર રાજય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરિક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. જો કે રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં.
નિયમોનું ઉલ્લંઘન કરશો તો ગુનો નોંધાશે
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખથી તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.













