- વલસાડમાં 12 જેટલી દુકાનમાં લાગી ભીષણ આગ
- આગ લાગતા દુકાન સંચાલક જીવતો ભડથું
- ફટાકડાનું રો - મટીરીયલ રાખતી દુકાનમાં આગ
વલસાડમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જામ્યો હતો. આ વચ્ચે 5 લોકો દાઝી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. એટલું જ નહીં વલસાડની સુગર ફેક્ટરી પાસે આવેલા મણીબા કોમ્પલેક્ષની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો.
આ અંગેની માહિતી અનુસાર, વલસાડના અતુલ નજીક આવેલી સુગર ફેક્ટરીની સામે મણીબા કોમ્પલેક્ષની એક દુકાનમાં કેમિકલ મુકવામાં આવ્યું હતું. જે કેમીકલવાળી દુકાનમાં આજ રોજ બપોરના અરસામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જે બાદ ભીષણ આગ લાગી ફાટી નીકળી હતી. એટલું જ નહીં આગે વિકરાળ રૂપ ધારણ કરતા કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય 12 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી.
આગ એટલી વિકરાળ બની હતી કે, આગ લાગતા 5 જેટલા દાઝી ગયા હતા. જેમાંથી એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું છે. જ્યારે 4 લોકોને ગંભીરઈજા પહોંચતા સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં તેમજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
આ તરફ આગની ઘટનાની જાણ વલસાડની ફાયર વિભાગની ટીમને થતા વલસાડ ફાયર વિભાગની ટીમ અને અતુલ ફાયરની 4 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલીક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા પોલીસ પર સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનમાં કોના દ્વારા કેમીકલ મુકવામાં આવ્યું હતું, તેમજ દુકાન કોની છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે.
આગની ઘટનાને લઈ ફાયર ઓફિસર હરદીપ ગઢવીએ જણાવ્યું કે, સુગર ફેક્ટરીની બાજુમાં આગ લાગી હોવાનો 4 વાગ્યે કોલ મળ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જાણ થતા જ તુરંત ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વલસાડ નગરપાલિકાની ફાયરની બે ટીમ, પાલડી અને અતુલ સહિતની ફાયરની ટીમો પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબૂ મેળવી લીધો છે. 4 લોકો ઈજાગ્રસ્ત છે. જ્યારે એકનું મોત થયું છે. બેથી ત્રણ કલાક સુધી ફાયરની 4 ગાડીઓએ આગ પર કાબુ મેળવવામાં જહેમત ઉઠાવી હતી.