બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગર પાલિકાના પૂર્વ ચેરમેન અને વર્તમાન નગર સેવકે પાલિકાના કચરો ઉપાડવાના કામમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરીને હાલના પાલિકા પ્રમુખને સસ્પેન્ડ કરવાની લેખિત રજૂઆત મ્યુનિસિપાલિટીના કમિશ્નરને કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગોની રાત્રિ સફાઇ તેમજ ડોર ટુ ડોર કચરા કલેકશનમાં દર માસે રૂપિયા 45 લાખનું બિલ ઉધારવામાં આવી રહયું છે. જેની સામે પુરતી સફાઇની કામગીરી ન કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ હોવાનો આક્ષેપ કરાયો છે.


વર્તમાન પ્રમુખ ચીમનલાલ સોલંકીને સસ્પેન્ડ કરવાની માગ

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના રોડ પર રાત્રિ સફાઇ તેમજ ડોર ટુ ડોર કચરા કલેકશનમાં દર માસે રૂપિયા 45 લાખનું બિલ ઉધારવામાં આવી રહયું છે. જેની સામે પુરતી સફાઇની કામગીરી નહીં કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યુ હોવાના આક્ષેપ સાથે પાલિકાના સદસ્ય અને પૂર્વ પ્રમુખે ગાંધીનગર મ્યુનિસીપાલટી કમિશ્નરને લેખિત રજૂઆત કરી વર્તમાન પ્રમુખ ચીમનલાલ સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.

મહિનામાં માત્ર એક જ વખત સફાઇ કરવામાં આવી રહી છે

પાલિકાના પૂર્વ ચેરમેન અમરત જોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ટેન્ડર પ્રમાણે અલગ અલગ રોડ, ડિવાઇડર, ફુટપાથ સાથેની સફાઇ કરવા એક કિલોમીટરના ભાવ, સાધનો, મેનપાવર એજન્સીએ મુકવાના છે. જોકે, સ્વિપરથી મહિનામાં માત્ર એક જ વખત સફાઇ કરવામાં આવી રહી છે.દરબાર વેસ્ટ કોર્પોરેશન અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતી ડી.કે.નાકરાણી એજન્સીનું દર માસે 26 લાખ ઉપરાંતનું બિલ બની રહ્યું છે.રાત્રિ સફાઇ સાથે કુલ 45 લાખ ઉપરાંતનો ખર્ચ દર મહિને થઇ રહ્યો છે. છતાં પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.જેના માટે પ્રમુખ ચિમનભાઇ સોલંકી સામે નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી પ્રમુખ પદેથી તેમજ સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે.

અમે અત્યાર સુધી 7 નોટિસો પણ આપી

બીજી તરફ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ તેમના ઉપર કરાયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે મારા ઉપર આવા આક્ષેપો થયા છે તેવી મને કોઈ લેખિત અરજી મળી નથી. અમરત જોશીએ સીધી ગાંધીનગર અરજી કરી છે. જેથી અમારી ઉપર અરજી આવશે તો અમે તેના યોગ્ય જવાબો કરીશું. જે એજન્સી કામ કરે છે તેને અમે અત્યાર સુધી 7 નોટિસો પણ આપી છે. જેવી કોઈ નવી એન્જસી કામ કરવા તૈયાર થશે તો તેને કામ આપી દઈશું.બાકી કોઈ જ કૌભાંડ કે ભ્રષ્ટાચાર થયો નથી.


  • Follow us on: