અરવલ્લી જિલ્લાના બાયડના અપક્ષના ધારાસભ્યએ બાયડ અને માલપુર તાલુકાની જે ગ્રામ પંચાયત સમરસ થાય તેને 10 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. ત્યારે એનાથી પણ અલગ પ્રકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ગઠામણ ગ્રામ પંચાયત દર વખતે સમરસ બને છે. આ ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. આઝાદીથી લઈને આજદીન સુધી આ ગામમાં પંચાયતની ચૂંટણી નથી યોજાઈ. કોમી એકતાના સંદેશ સાથે ગઠામણ ગ્રામ પંચાયતમાં એક ટર્મ હિન્દુ તો એક ટર્મ મુસ્લિમ સરપંચની વરણી કરવામાં આવે છે.
ગઠામણ ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો રહે છે
ભારત અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં આઝાદી પછી આજ સુધી પંચાયતની ચૂંટણી નથી યોજાઈ. અહીં વડીલો જે પરંપરા શરૂ કરીને ગાય તે પરંપરા આજે પણ ચાલુ રાખવામાં આવી છે. ગઠામણ ગામમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો રહે છે. બંને કોમ હળીમળીને રહે છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે એકતાનો સંદેશ અન્ય લોકોને આપે છે. આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ગઠામણ ગ્રામ પંચાયત સમરસ બની છે. આ વખતે મુસ્લિમ મહિલાની સરપંચ અને હિન્દુ મહિલાની ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક કરાઈ છે.
કોમ એકતાના દર્શન કરાવતી આ પંચાયત દેશ માટે ઉદાહરણ
ગઠામણ ગામમાં જ્યારે પણ પંચાયતની ચૂંટણી આવે ત્યારે સરપંચની નિમણૂક સર્વસંમતિ પ્રમાણે થાય છે. ગામમાં ચૂંટણીની આ પરંપરા છેલ્લા 75 વર્ષથી ચાલી આવી છે. કોમ એકતાના દર્શન કરાવતી આ પંચાયત દેશ માટે ઉદાહરણ બની છે. ગામના લોકોનું માનવું છે કે, સમરસ ગ્રામ પંચાયત થવાથી બંને કોમો વચ્ચે વેરઝેર થતા નથી. પંચાયતને સરકાર તરફથી વધુ ગ્રાન્ટ મળે છે અને ગામમાં વિકાસના કામો થાય છે. ગામમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે આઝાદી પછી આજ સુધી ક્યારેય વેરઝેર કે ઘર્ષણ થયું નથી તેવું ગામલોકો તરફથી જાણવા મળ્યું છે.