ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસે સુરત ખાતેથી એક નિવેદન આપ્યું હતું. તેમણે નિવેદનમાં બંધારણ બનાવવા વાળાને મુર્ખ કહ્યાં હતાં અને સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે.આ સંવિધાન ધર્મને આધારે બનવું જોઈએ એવો ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. વિવાદ વધતા કથાકારે માફી માગી હતી. હવે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પાવી જેતપુરના વકીલ દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે.


કથાકારના નિવેદન બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાવી જેતપુરના વકીલ લલિતચંદ્ર રોહિત દ્વારા કથાકાર ચંદ્ર ગોવિંદદાસ વિરૂદ્ધ પોલીસમાં લેખિત અરજી આપવામાં આવી છે અને તેમની સામે ફરિયાદ કરવા જણાવાયું છે. પોલીસે વકીલની અરજી સ્વીકારી વધુ તજવીજ હાથ ધરી હતી. કથાકારના નિવેદન બાદ દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. તેમણે માફી માગી લીધા બાદ પણ દલિત સમાજમાં રોષ ઓછો થયો નથી.

કથાકાર ચંદ્ર ગોવિંદદાસના નિવેદનનો વીડિયો વાયરલ

ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદદાસના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. દલિત સમાજના આગેવાનોએ કથાકાર તાત્કાલિક માફી માંગે તેવી માગ કરી હતી. ત્યાર બાદ કથાકારે માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે, મારા વિશે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. મેં દીકરીઓ પર થતાં અત્યાચાર અંગે કહ્યું હતું. બંધારણના નિર્માતા અંગે વ્યક્તિગત રીતે કશું જ કહ્યું નથી.


  • Follow us on: