PM મોદી 7મી માર્ચે સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વિશાળ કાર્યક્રમ યોજશે અને સર્કિટ હાઉસ ખાતે તાપી નામના રૂમમાં રાત્રિ રોકાણ કરશે તેવી શક્યતા છે. ત્યાર બાદ PM મોદી દાદરા નગર હવેલીની પણ મુલાકાત લશે.સેલવાસ ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન-ભૂમિપૂજન PM મોદીના હસ્તે કરવામાં આવશે.
PM મોદી આવતીકાલે દાદરા નગર હવેલીની મુલાકાતે
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે દાદરા નગર હવેલીની પણ મુલાકાત લેશે. સેલવાસ ખાતે નમો હોસ્પિટલ સહિત રૂપિયા 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. વડાપ્રધાનની છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીની ચોથી મુલાકાત છે. તેમના કાર્યકાળમાં આ નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશને પહેલી વખત રાષ્ટ્રીય સ્તરે મહત્વ મળ્યું છે. વડાપ્રધાન નમો હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યા બાદ રોડ-શો કરીને સભાને સંબોધન કરશે. દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને સંપૂર્ણ તૈયારીને આખરીઓ આપી દેવામાં આવ્યો છે.
PM નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતમાં ‘સુરત ખાદ્ય સુરક્ષા પ્રોત્સાહન અભિયાન’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને PM દ્વારા લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. સમીક્ષામાં, બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાર્કિંગ, પાણી અને અન્ય સુવિધાઓ સહિત કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. PM મોદી 50 હજાર ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને ખાદ્યાન્ન પૂરું પાડવાની યોજના ધરાવે છે. આ બેઠકમાં સાંસદ, મેયર, ધારાસભ્ય, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
8મી તારીખે નવસારીમાં PMનો બીજો એક કાર્યક્રમ
PM મોદી શુક્રવારે સાંજે 14 કિલોમીટરની મુસાફરી કરશે અને શનિવારે સવારે તેઓ નવસારી જવા રવાના થશે. રૂટ વેરિફિકેશન સાથે મળેલી માહિતી અનુસાર, PM શુક્રવારે સવારે સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા સેલવાસ જશે. સાંજે, તેઓ સેલવાસથી હેલિકોપ્ટર દ્વારા સુરતના પર્વત પાટિયા ખાતેના હેલિપેડ પહોંચશે. ત્યાંથી તેઓ નીલગિરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો કરશે. PM મોદીના રોડ શો માટે રસ્તાઓથી લઈને ડિવાઈડર અને લાઈટો સુધી, દરેક સ્તરે બ્યુટીફિકેશનની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તે પહેલાં, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર અને અન્ય અધિકારીઓએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.













