રાજકોટ પોલીસ ન્યારી ડેમ અકસ્માતને લઈને વિવાદમાં સપડાઈ છે. રાજકોટ પોલીસ નબીરાઓને છાવરી રહી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યારી ડેમ અકસ્માતમાં વ્હાઈટ કલરની ટાટા નેક્ષોન કારે અકસ્માત સર્જતા એક યુવકને ગંભીર ઇજા થઈ હતી. ટાટા નેક્ષોન કાર ચલાવનાર ચાલક અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અને આ નબીરાને બચાવવા પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલવામાં આવ્યો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ન્યારીડેમ અકસ્માતનો સમગ્ર મામલો ગૃહ વિભાગમાં પંહોચ્યો છે. ગૃહમંત્રી અને પોલીસ કમિશ્નરને કરેલ અરજીમાં ન્યારી ડેમ અકસ્માત કેસમાં નબીરાને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.
શું હતી ઘટના
ઘટનાની વિગત મુજબ ન્યારી ડેમ પાસે 21 માર્ચના રોજ વાહનચાલકે એક યુવકને અડફેટે લીધો. વાહનની અડફેટે આવતા યુવક ગંભીરપણે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જયા બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ન્યારી ડેમ પાસે સર્જાયેલ અકસ્માતને પગલે લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી અને ઇજા પામેલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો. ઘટનાની પોલીસને જાણ થતાં બનાવસ્થળ પર પંહોચી હતી. પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે GJ 03 NB 6411 નંબર ની વ્હાઇટ કલરની ટાટા નેક્ષોન કારે ન્યારી ડેમ પાસે અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ઇજા પામેલ યુવકનું નામ 18 વર્ષીય પરાગ ગોહેલ હોવાનું જાણવા મળ્યું. પોલીસે ઘાયલ યુવકનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની ભૂમિકા પર શંકા
21 માર્ચના રોજ થયેલ અકસ્માતમાં પોલીસ તરફથી કોઈ વધુ માહિતી સામે ના આવતા ઇજા પામેલ યુવકે વધુ પૂછપરછ કરી. પરંતુ પોલીસ અકસ્માત જેવી ઘટનામાં ગંભીર ના જણાતા ઇજા પામેલ યુવક અને તેના પરીવારને અનેક સવાલો થયા.પરાગ ગોહેલ યુવકના પરીવારે સમગ્ર મામલે તાલુકા કક્ષાએ રજૂઆત કરી અને ત્યાંથી પણ સંતોષકારક ના ઉત્તર ના મળતા પરાગનો પરીવારે અંતે ગૃહ વિભાગમાં પોલીસની કામગીરીને લઈને રજૂઆત કરી. ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને કરેલ અરજીમાં સનસનીખેજ આક્ષેપ કર્યો છે.
CCTV એ પોલીસનો ભાંડો ફોડ્યો
ફરીયાદીનું કહેવું છે કે ન્યારી ડેમ અકસ્માતમાં પોલીસ આરોપી નબીરાને બચાવવા પ્રયાસ કરી રહી છે. અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાયદા વિભાગના HOD રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા પોલીસે કારસ્તાન કર્યું છે. અકસ્માત સર્જનાર વ્હાઇટ કલરની ટાટા નેક્ષોન કારના ચાલક એટલે કે ડ્રાઈવરની પોલીસ દ્વારા જ અદલાબદલી કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં ડ્રાઇવર બદલતા હોય તેવા સીસીટીવી આવ્યા સામે છે. અકસ્માત કેસમાં પ્રવિણસિંહ બચુભા જાડેજાને ખોટી રીતે ડ્રાઇવર બનાવી નબીરાઓને બચાવવાનો પોલીસનો એક્શન પ્લાનના પર્દાફાશ થયો. CCTV એ રાજકોટ પોલીસના કારસ્તાનનો ભાંડો ફોડયો છે. સમગ્ર ઘટનામાં તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પંહોચ્યો છે.