- બળાત્કારી આસારામને નિર્દોષ કહી કથાકારે ન્યાય તંત્ર સામે જ સવાલ કરતા હોબાળો
- માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં હરખપદુડા કથાકારે આસારામના જય જયકાર પણ કરાવી
- વિવાદ વધતા કથાકારે પલટી મારીને ખુલાસો કર્યો
વલસાડમાં 14 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં નવસારી ખેરગામના કથાકાર પ્રફુલભાઇ શુક્લએ જાહેર મંચ પરથી બળાત્કારી આસારામને ષડયંત્ર કરીને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે અને તેઓ નિર્દોષ છે તેવા લવારા કરીને આસારામની જય જયકાર બોલાવતા વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આખો મામલો બહાર આવ્યો હતો.
રાજસ્થાનમાં પોતાના જ સાધકની 16 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મના ગુનામાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેમ છતાં વલસાડમાં નવસારીના કથાકારે જાહેર મંચ પરથી તેમને નિર્દોષ ગણવાની ચેષ્ટા કરતા વિવાદ સર્જાયો છે. ગત 14-02-24ના રોજ વલસાડના તિથલ રોડ પર આવેલા ઋષિકેશ એપાર્ટમેન્ટ સામેના ખુલ્લા મેદાનમાં આસારામના સાધકો દ્વારા માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. આ તકે જાહેર મંચ ઉપરથી ખેરગામના કથાકાર પ્રફુલ શુક્લએ આસારામને નિર્દોષ ગણાવી કાઢયા હતા.
કથાકાર પ્રફુલ શુક્લએ પોતાના વક્તવ્યના પ્રારંભમાં આસારામના નામનો જયઘોષ કરાવી જણાવ્યું હતુ કે, આ દેશના અંધા કાનૂન અને અંધે લોગ, ષડયંત્ર કરીને બધુ કરી શકાય છે. આ દેશમાં એફ.આઇ.આર.ઓ પણ બદલી શકાય છે, બીજાની તો શું વાત કરવી પાંચ ફૂટનું માણસ પણ આખું પલટી મારી જાય છે. એટલે કે એક નિર્દોષ કે જેનો કોઇ વાંક જ નથી, જેનો કોઇ ગુનો જ નથી તેમને ખોટી રીતે ફસાવી દેવાયો છે. વળી, કથાકાર પ્રફુલ શુક્લ આટલેથી જ અટક્યા નહોતા. તેમણે આગળ જણાવ્યું કે, જો આસારામ બાપુ ન હોત તો આખો વનવાસી વિસ્તાર ખ્રિસ્તી બની ગયો હોત. આ દેશના કાનૂનને કેમ નથી દેખાતું?
તેમણે ઉમેર્યુ કે હવે તો બધા મોટા-મોટા માણસોએ પણ બાપુને માટે ષડયંત્ર ઘડાયાની વાત સ્વીકારવી પડશે. આવો બફાટ કરીને કથાકારે ન્યાયતંત્રના ચુકાદા સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે. વધુમાં તેઓએ આ ગુરુપૂર્ણિમા આસારામના સાંનિધ્યામાં ઉજવીશું તેવો હુંકાર પણ આ તકે ભર્યો હતો. કથાકાર પ્રફુલ શુક્લ જાહેર મંચ ઉપરથી આ પ્રકારની વાતો કરતા હતા તે સમયે મંચ પર ધરમપુરના કથાકાર ભરતભાઇ વ્યાસ, વલસાડ ભીડભંજન મહાદેવ મંદિરના કર્તાહર્તા શિવજી મહારાજ સહિત અન્ય કથાકારો, હિંદુ ધર્મગુરુઓ ઉપસ્થિત હતા.
વિવાદ વધતા કથાકારે પલટી મારીને ખુલાસો કર્યો
વિવાદ વધતા કથાકાર પ્રફુલભાઇ શુક્લએ એક વીડિયો જારી કરીને ખુલાસો કર્યો હતો કે, માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં હું ગયો અને ત્યાં મેં જે પ્રવચન કર્યુ એની પાછળ મારો કહેવાનો આશય એ હતો કે, ઘણી મેટરોમાં, ઘણા પ્રસંગોમાં, ઘણા કેસોની અંદર કંઇક ગેરસમજ થતી હોય છે. એટલે આ મેટરમાં પણ કંઇક ગેરસમજ થઇ હોવી જોઇએ. એ જ મારો કહેવાનો આશય હતો. ન્યાયિક પરંપરા ઉપર આપણને વિશ્વાસ છે અને કાનૂન અને ન્યાયને આપણે માનીએ છીએ. એને યોગ્ય લાગ્યંુ હશે તે કર્યું હશે. પણ મારો કહેવાનો આશય એ હતો કે આપણે ત્યાં સમાજમાં ઘણા કિસ્સાઓમાં અર્થનો અનર્થ કરાય છે.