પોરબંદર જિલ્લાના બખરલા ગામમાં હોળીના દિવસ બાદ ત્રણ દિવસ સુધી પડવા તરીકે વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને મેર સમાજ દ્વારા મણિયારા નું આયોજન કરવામાં આવે છે.
મેર સમાજ કરે છે આયોજન
હોળીના તહેવાર બાદના દિવસને પડવો કહે છે. ત્રણ દિવસ સુધી "પડવા"ની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેમાં સંસ્કૃતિના જતન અને ગૌમાતાના લાભાર્થે પ્રોગ્રામ રાખવામાં આવે છે. જેમાં 3 થી 7 અને રાતે 9 થી 12 મણિયારા રાસનું આયોજન થાય છે.મેર સમાજની બહેનો પરંપરાગત પહેરવેશ સાથે રાસ રમે છે. ત્યારબાદ મહેર સમાજના ભાઈઓ પૂર્ણ પરંપરાગત પહેરવેશ પહેરે છે. જેમાં ચોરણી બાઠીયું, પાઘડી, ભેઠાઈ પહેરીને મણિયારો રાસ રમે છે. આ રાસ જોવા માટે દેશ-વિદેશ થી લોકો તથા અધિકારી-પદાધિકારીઓ અને સંતો-મહંતો પધારે છે. બાળકો થી વૃદ્ધો રમતા હોય ત્યારે શૌર્યતાના દર્શન થાય છે.
વર્ષોથી રમાય છે રાસ
છેલ્લા ઘણા દશકોથી હોળી બાદ ત્રણ દિવસ સુધી મણીયારા રાસ રમવો મેર સમાજની પરંપરા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ આ મણિયારા રાસમાં ભાગ લેતા હોય છે જેને નિહાળવા માટે આખું બખરલા ગામ તથા આસપાસના ગામના લોકો એકઠા થાય. ખાસ કરીને મહેર સમાજની મહિલાઓ આ મણીયારા રાસમાં લાખો કરોડોના કીમતી ઘરેણા પહેરીને મેદાનમાં રાસ રમવા ઉતરે છે.વિશ્વમાં પ્રખ્યાત મણીયારો આમ તો યુકે યુ.એસ.એ તથા કેનેડામાં પણ રમાય છે પણ હોળી બાદ બખરલા ગામે મણીયારાનું આયોજન થતાં વિદેશમાંથી પણ લોકો અહીંયા મણીયારો નિહાળવા તથા રમવા ખાસ વધારે છે.













