અમદાવાદમાં સંતવાણી કાર્યક્રમમાં યાંદીનો નોટોનો વરસાદ થયાનો વીડિયો સામે આવ્યો છે. ગુજરાતમાં પહેલીવાર આ રીતે કોઈ ડાયરામાં ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો. આ ડાયરાનું આયોજન લંબે નારાયણ આશ્રમમાં કરવામાં આવ્યું હતું. આ આશ્રમમાં અત્યારે 108 કુંડી બગલામુખી માતાનો મહાયજ્ઞનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લંબે નારાયણ આશ્રમમાં બગલામુખી માતાનો મહાયજ્ઞના 8 દિવસ ચાલનારા કાર્યક્રમમમાં 30 એપ્રિલના રોજ આશ્રમમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક ફરીદાબેન મીર ડાયરામાં લોકપ્રસ્તુતિ કરી રહ્યા હતા ત્યારે એક ભક્ત દ્વારા તેમના પર ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો. અત્યાર સુધીમાં ડાયરામાં ફક્ત પૈસાની નોટોનો વરસાદ થતો હતો જયારે અમદાવાદના સંતવાણી કાર્યક્રમમાં ચાંદીની નોટોનો વરસાદ જોવા મળ્યો.
લંબે નારાયણ આશ્રમમાં ડાયરાનું આયોજન
જણાવી દઈએ કે અમદાવાદમાં પ્રથમ વખત 108 કુંડી બગલામુખી માતાના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. એપ્રિલ મહિનાની 23 તારીખના રોજ મહાયજ્ઞના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને 1મેના રોજ તેની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. બગલામુખી માતાના મહાયજ્ઞના આ કાર્યક્રમમાં 30 એપ્રિલના રોજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના લોકડાયરાના નામાંકીત કલાકાર ફરીદામીરના કંઠે સુંદર ભજનના સૂર રેલાયા હતા. ફરીદામીરના ભજનની સુંદર પ્રસ્તુતિથી ખુશ થઈને કાર્યક્રમની વચ્ચે લોકો તેમના સન્માનમાં ચાંદીની નોટો ઉડાડી રહ્યા હતા.
ડાયરામાં લોકગાયકો પર લોકો મહેરબાન
નોંધનીય છે કે ગુજરાતમાં આજે પણ અનેક સ્થાનો પર ડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. રાજ્યમાં ડાયરાના પ્રખ્યાત લોકગાયક કર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મીરા આહીર, ફરીદાબેન મીર, જવાહરચાવડા સહિતના કલાકારો વિવિધ સ્થાનો પર પ્રોગ્રામ કરતા હોય છે ત્યારે આ લોકગાયકો પર અનેક વખત નોટોનો વરસાદ થતો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે. હમણાં થોડા સમય પહેલા જ એક ડાયરામાં કીર્તિદાન ગઢવી સાથે ઐતિહાસિક બનાવ બન્યો હતો. કીર્તિદાન ગઢવી એક ડાયરાના પ્રોગ્રામમાં જ્યારે પોતાના સુંદર અવાજ ગીત ગાતા હતા ત્યારે એક શખ્સ દ્વારા તેમના પર સોના-ચાંદીના સિક્કા ઉછાળવામાં આવ્યા હતા. અગાઉ પણ અનેક વખત ડાયરાના આ લોકગાયકો સુંદર પ્રસ્તુતિ આપે છે ત્યારે તેમના પર અધધ...રૂપિયાનો વરસાદ થતો હોય છે.