રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતાં. ત્યાર બાદ ડ્રાઈવરની ધરપકડ કરીને તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે મહાનગર પાલિકા દ્વારા જે કાર્યવાહી હાથ ધરાઈ છે તેમાં ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ સમગ્ર ઘટનાનો અહેવાલ મુકવામાં આવ્યો છે. મહાનગર પાલિકાએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી. ગઈકાલે આ કમિટીની પ્રથમ બેઠક મળી હતી. હવે નિષ્ણાંતોના અભિપ્રાય લઈને તપાસ શરૂ કરવામાં આવશે.
ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ અહેવાલ મુકવામાં આવ્યો
રાજકોટ મહાનગર પાલિકાએ રચેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ જે અહેવાલ મુકવામાં આવ્યો છે તેમાં સ્થળ અને અકસ્માત સર્જનાર બસની તપાસ કરાશે તેવો ઉલ્લેખ કરાયો છે. તે ઉપરાંત પ્રાથમિક રીપોર્ટ પણ એક મહિનાના સમયગાળામાં આપવો પડશે. ફેક્ટ ફીન્ડિંગ કમિટીમાં મનપાના અધિકારીઓ,ઇજનેરી કોલેજના નિષ્ણાંતો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
સ્થળ તપાસ તેમજ અકસ્માત સર્જનાર બસની તપાસ કરાશે
અગાઉ અકસ્માત કરનાર ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો હતો. તે ઉપરાંત મહાનગર પાલિકાએ એજન્સી સામે પણ એક્શનની તૈયારીઓ કરી હતી. બાકી બીલો અટકાવી દેવામાં આવ્યા હતાં. હવે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની પ્રથમ મીટિંગમાં જ તપાસનો દોર તેજ કરી દેવામાં આવ્યો છે.આગામી દિવસોમાં સ્થળ તપાસ તેમજ અકસ્માત સર્જનાર બસની તપાસ કરાશે.