રાજકોટના જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટી સુધીના રોડ પર રેલ્વે વિભાગ દ્વારા એક 66 કેવીની અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન માટે ખાડાઓ ખોદી ગેસની લાઈનની બાજુમાં જ નાખવાની કામગીરીનો નવાગઢવાસીઓએ વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર આપી આ વીજલાઈનનું સ્થળ બદલવાની માગ કરી છે.


અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન પાથરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા

રેલ્વે વિભાગ દ્વારા ધારેશ્વર 66 કેવી સબ સ્ટેશનથી જેતલસર જંકશન સુધીની 66 કેવીની હેવી વીજ લાઈન અંડર ગ્રાઉન્ડ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આ વીજ લાઈન ધારેશ્વર પાસેથી નવાગઢ પહોંચીને હવે નવાગઢના ખાટકીવાડથી વિવેકાનંદ સોસાયટીના મુખ્ય રોડ પર અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન પાથરવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. ત્યારે આ અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન સામે સ્થાનિક વિસ્તારના રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. જેને લઈને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.

ચોમાસામાં ચારે માસ ઘુંટણસમા પાણી ભરાયેલા રહે છે

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ 66 કેવીની વીજ લાઈન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે, તેને અડીને જ ગેસની લાઈન પહેલાથી જ નાખેલી છે અને ભાદર નદીના પુલ પાસેથી આ 66 કેવીની વીજ લાઈન પ્રવેશ કરે છે, ત્યાં ગેસની લાઈનના જંકશનને ટપાવીને નાખવામાં આવી છે. આ ઉપરાંત આ અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન ખાટકીવાડ પાસેથી પ્રારંભ થાય છે, ત્યાં ચોમાસા દરમિયાન ચારે માસ ઘુંટણસમા પાણી ભરાયેલા રહે છે.

સ્થાનિકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચલાવશે તેવી ચીમકી આપી

એટલે ગેસની લાઈનની બાજુમાં જ હેવી 66 કેવીની વીજ લાઈન અને તે પણ પાણી ભરાયેલી જગ્યા પર જ નાખવાની હોય ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત કે કોઈ મોટી જાનહાની થવાની શકયતા રહેલી છે. જેથી આ અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન આ વિસ્તારને બદલે અન્ય જગ્યાએ ફેરવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને જો માગ સ્વીકારવામાં એટલે કે અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન ફેરવવામાં નહીં આવે તો સ્થાનિકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચલાવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

  • Follow us on: