પત્રકારનો ધર્મ સત્યને ઉજાગર કરવાનો હોય છે.પરંતુ કેટલાક લેભાગુ તત્વો પત્રકારત્વના વ્યવસાયને જાણે કે,ખંડણીખોરોનો વ્યવસાય સમજી બેસે છે.ત્યારે કોઈની પણ અંગતપળોના વીડિયો વાયરલ કરી લાખો રૂપિયાની ખંડણીની માગણી પણ કરતા હોય છે.ત્યારે આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાંથી કે જ્યાં શાળા સંચાલક પાસેથી 25 લાખની ખંડણીની માગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવીને બે ખંડણીખોર પત્રકારો સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે.


ત્રણેય વ્યક્તિઓ ઝડપાઈ ગયા

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 31 વર્ષીય આશિષ ડાભી,36 વર્ષીય એજાજ ગોરી નામના પત્રકારોની તેમજ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 35 વર્ષીય ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ દોશી ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ દ્વારા રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલ નામની શૈક્ષણિક સંસ્થાના 47 વર્ષીય સંચાલક યશપાલસિંહ ચુડાસમા પાસેથી રૂપિયા 25 લાખની ખંડણી માગી હોવાનું સામે આવ્યું હતું.ત્યારે સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને થતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.જે અંતર્ગત ત્રણેય વ્યક્તિઓ ઝડપાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો

ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલ નામની શૈક્ષણિક સંસ્થા ચલાવનારા 47 વર્ષીય યશપાલસિંહ ચુડાસમા દ્વારા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. તેમજ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવતા ખંડણી માંગનારા આરોપીઓ ઝડપાઈ ગયા છે.તેમજ હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે સીસીટીવી મેળવનારા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

વિદ્યાના મંદિરને કલંકિત કરતો નરાધમ કોણ?

ક્રાઈમ બ્રાંચને આપેલી ફરિયાદમાં યશપાલ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મારા નંબર પર મને અજાણ્યા નંબર પરથી સોશિયલ રિપોર્ટ સાંજે દૈનિકનો એક ફોટો મોકલવામાં આવ્યો હતો.જેમાં લખવામાં આવ્યું હતું કે રાજકોટની રામાપીર ચોકડી નજીકના લાખના બંગલા પાસે આવેલી નામાંકિત સ્કૂલનો વીડિયો થયો વાયરલ. તે પ્રકારનું લખાણ લખવામાં આવેલું હતું. જેમાં મારી સ્કૂલની ચેમ્બર નો ફોટો હતો તેમજ હું અને મારી સ્ત્રી મિત્ર આલિંગન અવસ્થામાં હોય તેવું દેખાતું હતું.તેમજ લખ્યું હતું કે વિદ્યાના મંદિરને કલંકિત કરતો નરાધમ કોણ? ત્યારબાદ મેં તપાસ કરતા મને જાણવા મળ્યું હતું કે, સોશિયલ રિપોર્ટ સાંજે દૈનિક આશિષ ડાભી નામનો વ્યક્તિ ચલાવે છે.

વીડિયો વાયરલ નહીં કરવા 25 લાખ માગ્યા

ત્યારબાદ મેં મારા મિત્ર અનિરુદ્ધનો સંપર્ક કર્યો હતો. તેમણે મને કહ્યું હતું કે આશિષ ડાભી આવ્યો હતો અને તેણે જણાવ્યું છે કે તેની પાસે આ પ્રકારના સાત વિડિયો છે.તેમજ વીડિયો વાયરલ નહીં કરવા પણ તે 25 લાખ રૂપિયાની માગણી કરે છે.તેમજ આ પ્રકારના વીડિયો અન્ય વ્યક્તિઓ પાસે પણ છે.દરમિયાન મારા મિત્ર ધર્મેન્દ્રસિંહ વાળાનો પણ મને ફોન આવ્યો હતો.એજાજ તેમજ ધર્મેશ નામના વ્યક્તિઓ પોતાની પાસે ઉપરોક્ત વિડિયો હોવાની વાતચીત કરે છે. તેમજ બંને પૈસાની માગણી કરે છે. ચોપડે તેમને પૈસા આપી દેશો તો તેઓ વીડિયો વાયરલ નહીં કરે તે પ્રકારની વાતચીત કરી હતી.

પોલીસે અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી

વાયરલ થયેલા સીસીટીવી મામલે તપાસ કરતા જે તે સમયે સીસીટીવી ફિટ કરનાર કંપનીનો માણસ હતો તેની પાસે પણ આઈડી પાસવર્ડ હતા.પરંતુ મારી અજ્ઞાનતાના કારણે મેં સીસીટીવી ના પાસવર્ડ બદલાવ્યા નહોતા.આ મારી જાણ બહાર મારી સ્કૂલના ચેમ્બરના સીસીટીવી ના વીડિયો મેળવી લઈ જુદા જુદા વ્યક્તિઓ દ્વારા મને બ્લેકમેલિંગ કરી મારી પાસેથી મોટી રકમ પડાવવા માટે તેમજ મારી શૈક્ષણિક સંસ્થાને બદનામ કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે.ત્યારે હાલ તો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખંડણીખોર બે પત્રકારો સહિત ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે.જ્યારે કે,અન્ય એક આરોપીની શોધખોળ હજુ પણ ચાલી રહી છે.આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે ત્યારે આ ટોળકીમાં અન્ય કેટલા આરોપીઓ છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે.


  • Follow us on: