ગુજરાતમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર એક્ટિવ થવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. રાજકોટમાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં ગોંડલ ચોકડી, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, કાલાવડ અને યૂનિવર્સિટી રોડ પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. શહેરમાં ભારે પવન ફૂંકાવાથી હોર્ડિંગ પણ ધરાશાયી થયું હતું.
હોર્ડિંગ ધરાશાયી થતાં રીંગરોડ બંધ કરવો પડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને કારણે રેસકોર્સ રીંગરોડ પર મહાકાય હોર્ડિંગ ધરાશાયી થયું હતું. હોર્ડિંગ ધરાશાયી થતાં રીંગરોડ બંધ કરવો પડ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. એક રિક્ષામાં સામાન્ય નુકસાની પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો
શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ભયંકર ગરમી અને બફારા વચ્ચે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. શહેરમાં વાતાવરણમાં પલટો આવતાં કાળાં ડિબાંગ વાદળો જોવા મળ્યા હતાં. ત્યાર બાદ શહેરમાં ગોંડલ ચોકડી, યાજ્ઞિક રોડ, રેસકોર્સ, કાલાવડ અને યૂનિવર્સિટી રોડ પર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો.