રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક રોડ & બિલ્ડીંગ પંચાયત વિભાગ દ્વારા અંદાજીત 40 લાખના ખર્ચે નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરતા વાહન વ્યવહાર અને ખેડૂતો માટે ડ્રાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 1 મહિના થી કામ બંધ હોવાથી અને યોગ્ય ડ્રાયવર્ઝન ન હોવાથી ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન થયાં છે.
અંદાજીત 2500 વિઘા જેવી ખેડૂતોની જમીન છે
જેતલસર ગામના મંડલીકપુર રોડ પર નદી ઉપર પુલ બનાવવાનું કામ રોડ & બિલ્ડીંગ પંચાયત વિભાગ દ્વારા 8 મહિના પહેલા વર્ક ઓર્ડર આપ્યા બાદ પુલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું પરંતુ છેલ્લા 1 મહિનાથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના તાલમેલના વાંકે કામ બંધ પડ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. પુલનું કામ શરૂ કરતાં પહેલાં નદી માંથી કાચો ડ્રાયવર્ઝન આપવામાં આવ્યો છે. પરંતુ કમોસમી વરસાદ વરસતા જ નદીમાં પાણી ની આવક થવા લાગી અને ચોમાસુ માથે આવી રહ્યું છે. જેથી કાચી માટીનું ડ્રાયવર્ઝન ધોવાય જવાની સાથે પુલની આગળ અંદાજીત 2500 વિઘા જેવી ખેડૂતોની જમીન પણ આવેલ છે.
ડ્રાયવર્ઝન ઊંચું હોવાથી વાહન ઉપર ચડી શકતા નથી
હાલ વાવેતર કરવાનો સમય પણ થઈ ગયો છે ખેડૂતો ને ખેતરે કેમ જવું તે પ્રશ્ન છે,તેમજ જેતલસરથી મંડલીકપુર, ધોરાજી અને નેશનલ હાઇવેને જોડતો રોડ હોવાથી વાહન વ્યવહાર પણ ખોરવાઈ જશે જેથી તંત્ર ડામર પાથરી,અથવા પાઇપના ભૂંગળા નાખીને પાક્કું ડ્રાયવર્ઝન કરી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જેતલસર નજીકના પુલનું કામ શરૂ થયું ત્યારથી જ ગોકળ ગતિએ ચાલતું હતું તેમાં પણ છેલ્લા 1 મહિના થયાં બંધ હાલતમાં પડ્યું છે,સાથે ડ્રાયવર્ઝન કાચી માટીનું હોવાથી હોવાથી વાહનો પણ પસાર થઈ શકતા નથી ડ્રાયવર્ઝન ઊંચું હોવાથી વાહન ઉપર ચડી શકતા નથી.
વાહનો લઈને ખેતરમાં જવું હોય ત્યારે પસાર થઈ શકતું નથી
ચોમાસુ નજીક હોવાથી વાવેતર કરવા માટે ટ્રેક્ટર,જેવા વાહનો માલ,બિયારણ, ખાતર ભરેલ વાહનો લઈને ખેતરમાં જવું હોય ત્યારે પસાર થઈ શકતું નથી,સાથે પુલનું બંધ પડેલ કામ ફરી ભલે શરૂ કરે તેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ ડ્રાયવર્ઝન ડામર રોડનું અથવા નીચે ભૂંગળા મૂકીને પાણી વહીને જતું રહે તેવું કરી આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. પુલના બંધ કામ બાબતે રોડ એન્ડ બિલ્ડીંગ પંચાયત વિભાગના ઈજનેર સાથે વાત કરતા આ કામ નબળું થતું હોવાથી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી જેથી કામ બંધ પડ્યું હતું.ખેડૂતોએ કરેલ અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે તાલમેલ નથી તે વાત ખોટી ગણાવી હતી. ફરીવાર નોટિસ આપીને કામ શરૂ કરવામાં આવશે. સાથે કમોસમી વરસાદ થતા ડ્રાયવર્ઝન ધોવાઈ ગયું હશે તો કોન્ટ્રાક્ટરને સૂચના આપી યોગ્ય ડ્રાઇવર્ઝન કરી આપવામાં આવશે.આ પુલનું કામ અંદાજીત 40 લાખ રૂપિયા ખર્ચે બનાવવા આવી રહ્યું છે, સાથે 8 દિવસની અંદર આયોજન ફરી કામ શરૂ કરવામાં આવશે.













