- રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જીત
- ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે રૂપાલા ઘેરાયા હતા
- પરસોત્તમ રૂપાલાની સામે કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હતા
રાજકોટ લાંબા સમયથી ચર્ચામાં હતી. મતદાન પહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો. રૂપાલાએ માફી માગી લીધી હોવા છતાં ઠેર-ઠેર તેમનો વિરોધ થઇ રહ્યો હતો. રાજકોટથી શરૂ થયેલી વિરોધની આગ આખા ગુજરાતમાં પ્રસરી હતી.ત્યારે વિરોધ વચ્ચે રૂપાલાની જીત થઈ હતી.રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા જ મતદાન નોંધાયું હતું.
ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલ્યા હતા
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 10-રાજકોટ સંસદીય બેઠક માટે કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો, પોલીસના સઘન સુરક્ષા બંદોબસ્ત હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકો, ઉમેદવારો વગેરેની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણે, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.મુછાર, અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી, ઉપરાંત કેન્દ્રીય નિરીક્ષકો સર્વે શ્રી ડો. પ્રૃથ્વીરાજ અને નરહરીસિંઘ બાંગર પોલીસ ઓબ્ઝર્વરશ્રી તરીકે શ્રી ચંદનકુમાર ઝા તથા ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમના સીલ ખોલવામાં આવ્યા હતા.
રાજકોટ બેઠક પર 59.69 ટકા મતદાન
આ બેઠક પર કુલ 21,12,273 મતદારો છે જેમાંથી કુલ 12,60,768 વોટરોએ મતદાન કર્યું હતું. જેમાં 10,93,626 પુરુષ મતદારોમાંથી 7,05,583 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 10,18,611 મહિલા મતદારોમાંથી 5,55,179 મતદારોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત 36 અન્ય મતદારોમાંથી 6 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 2024માં 59.69 ટકા જ મતદાન નોંધાયું છે. જેને લઈને કોને ફાયદો થાય છે તે જોવું રહ્યું.
મોહન કુંડારિયાની ટિકીટ કાપીને રૂપાલાને અપાઈ હતી
આ બેઠક પરથી ભાજપે સિટિંગ સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. રૂપાલા કડવા પાટીદાર છે. બીજી તરફ, કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. ધાનાણી લેઉવા પાટીદાર છે એટલે હવે આ બેઠક પર કડવા સામે લેઉવા પાટીદારની ટક્કર છે. આ બન્ને ઉમેદવાર અમરેલીના છે.